અમેરિકાએ પૂર્વ-સિરિયામાં આતંકવાદીઓ પર એર સ્ટ્રાઇક કરી

વોશિંગ્ટનઃ અમેરિકાએ પૂર્વ સિરિયામાં આતંકવાદીઓનાં સ્થાનો પર એર સ્ટ્રાઇક કરી છે, જેનો આદેશ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડને આપ્યો હતો. પૂર્વ સિરિયા સ્થિત ઇરાન સમર્થિત આતંકવાદીઓ પર સીમિત એર સ્ટ્રાઇક કરવા માટે બાઇડને આદેશ આપ્યો હતો. બાઇડન વહીવટી તંત્રમાં આ પહેલી એર સ્ટ્રાઇક હતી, આની માહિતી પેન્ટાગોનના પ્રવક્તા જોન ક્રિબ્રીએ આપી હતી.

ક્રિબ્રીએ એની માહિતી આપતાં કહ્યું હતું કે રાષ્ટ્રપતિ બાઇડને પોતાના જવાનો અને સાથી લોકોના જીવનની સુરક્ષા માટે આવું કરી રહ્યા છે. રાષ્ટ્રપ્રમુખ બાઇડન સિરિયા અને ઇરાકમાં સ્થિતિ વણસવા નથી દેવા માગતા. જ્યાં એર સ્ટ્રાઇક કરવામાં આવી છે એ બધાં ઇરાની આતંકવાદીઓના સ્થાનો છે. આ બધા ઠેકાણાં કતાઇબ હિજબુલ્લા અને ક્તાઇબ સૈયદ અલ શુહાદાથી સંબંધિત છે. આ હુમલાનો ઇરાદો આતંકવાદીઓને એ વાતનો સંદેશ આપવાનો હતો કે તેમને તેમનાં કરતૂતોની સજા આપવા ઇચ્છે છે. એનો હેતુ સ્થિતિને વધુ ગંભીર બનાવવાનો નથી.

જોકે એ સ્પષ્ટ નથી થઈ સક્યું કે જે જગ્યાએ એર સ્ટ્રાઇક કરવામાં આવી છે, ત્યાં કેટલા આતંકવાદીઓ માર્યા ગયા. જોકે સિરિયન ઓબ્ઝર્વેટરી ફોર હ્યુમન રાઇટ્સનું કહેવું હતું કે આ એર સ્ટ્રાઇકમાં 17 ઇરાની સમર્થિત આતંકવાદી માર્યા ગયા હતા.