સુપ્રીમ કોર્ટના આઠ ચુકાદાની 2024ની ચૂંટણી પર પડશે અસર

નવી દિલ્હીઃ વર્ષ 2023માં સુપ્રીમ કોર્ટના કેટલાક મહત્ત્વના ચુકાદા આવવાના છે, જે દેશના રાજકારણ પર અસર કરે એવી શક્યતા છે. 2024માં થનારી લોકસભાની ચૂંટણી પર આ ચુકાદાની અસર પડ્યા વિના નહીં રહે. જોકે એ પહેલાં 2023માં 10 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે. આ રાજ્યોમાં લોકસભાની કુલ 17 ટકા એટલે કે 93 સંસદસભ્યો છે. આ આઠ ચુકાદા પર રહેશે બધાની નજર…

જમ્મુ-કાશ્મીરના સીમાંકનનો ચુકાદો

જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 દૂર થયા પછી ત્યાં સરકારે સીમાંકન દ્વારા કંઈક બદલવાના પ્રયાસ કર્યા છે. નવી પેટર્નમાં જમ્મુમાં 43 અને ખીણમાં 47 સીટો છે. POKમાં મિલાવવામાં આવે તો સીટો 114 સીટો સુધી પહોંચી જાય છે. સીમાંકનને પડકાર આપતી અરજીઓ સુપ્રીમ કોર્ટમાં ચુકાદો પેન્ડિંગ છે. હવે જો નવા વર્ષમાં ચુકાદો આવશે તો એની અસર જમ્મુ-કાશ્મીર સહિત 2024 લોકસભાની ચૂંટણી પર પડ્યા વગર નહીં રહે.

હિજાબ મામલો

કર્ણાટકના ઉડ્ડુપી થઈ શરૂ થયેલો હિજાબનો નવો વિવાદ સુપ્રીમ સુધી પહોંચ્યો છે. કોર્ટ 2023માં એના પર ચુકાદો આપે એવી શક્યતા છે, જે ઘણો મહત્ત્વનો છે.

સુપ્રીમ દ્વારા પ્લેસિસ ઓફ વર્શિપ એક્ટ 1991ની વ્યાખ્યા કરાશે

સુપ્રીમ કોર્ટ પ્લેસિસ ઓફ વર્શિપ એક્ટ 1991 પર મહત્ત્વનો ચુકાદો આપશે, જેમાં મથુરા, કાશી પર વિવાદ સતત ચાલી રહ્યો છે. આ એક્ટમાં ફેરફાર પર કોર્ટના ચુકાદાથી દેશમાં મંદિર-મસ્જિદ વિવાદ રાજકારણ પર દૂરગામી અસર પાડશે.

ચૂંટણી પંચમાં કેન્દ્રની ભૂમિકા

ડીવાય ચંદ્રચૂડના CJI બન્યા પછી સુપ્રીમ કોર્ટે ચૂંટણી કમિશનરની નિયુક્તિને લઈને સવાલ કર્યા હતા. આ મુદ્દે કોર્ટનો ચુકાદો આવવાની બાકી છે. જો કોર્ટનો ચુકાદો કેન્દ્ર મુજબ ના રહ્યો તો 2024માં એની અસર પડશે.

નોટબંધીનો નિર્ણય યોગ્ય કે ખોટો

મોદી સરકારના નોટબંધીના ચુકાદા યોગ્ય હતો કે નહીં એ માટેનો કેસ કોર્ટમાં છે. 2016માં થયેલી નોટબંધીને પડકારનાર 58 અરજીઓ પર કોર્ટ 2023માં ચુકાદો આવે એવી શક્યતા છે.

નબળી આવકવાળા વર્ગ પર અનામતનો ચુકાદો

નબળી આવકવાળા વર્ગને અને નોકરીઓમાં 10 ટકા અનામત મુદ્દે તામિલનાડુ સરકારે સુપ્રીમ કોર્ટમાં રિવ્યુ પિટિશન દાખલ કરી છે, જેના પર સુપ્રીમ કોર્ટના પાંચ જસ્ટિસો ચુકાદો આપવાના છે.

આ સિવાય મહત્ત્વનાં પદોએ બેઠેલા લોકોના નિવેદનો પર બંધારણીય બેન્ચે આદેશ સુરક્ષિત રાખ્યો છે અને CRPCની કલમ 319ની વ્યાખ્યા બંધારણીય બેન્ચ કરવાની છે, જેમાં કોર્ટે એ નક્કી કરવાની છે કે કોઈ ગુનાઇટ મામલે દોષી ઠેરવ્યા પછી એ કેસમાં કોઈ નવા વ્યક્તિને આરોપી બનાવી શકાય કે કેમ?