વાડ્રાની મુશ્કેલી વધી, આગોતરા જામીન રદ કરવાની માગ સાથે ઈડી કોર્ટમાં

નવી દિલ્હી- એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) મની લોન્ડરિંગના એક કેસમાં રોબર્ટ વાડ્રાના આગોતરા જામીન રદ કરવાની માગ સાથે દિલ્હી હાઈકોર્ટ પહોંચ્યું છે અને દાવો કર્યો છે કે, વાડ્રા પૂછપરછ દરમિયાન સહયોગ નથી આપી રહ્યાં. ઈડીએ એમ પણ કહ્યું કે, વાડ્રા પુરાવાઓને પ્રભાવિત કરી શકે છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના બનેવી રોબર્ટ વાડ્રાને અહીંની એક નીચલી કોર્ટે 1 એપ્રિલના રોજ વાડ્રાને આગોતરા જામીન આપ્યા હતાં.

હવે ઈડીએ આ આગોતરા જામીન રદ કરવાની માગ સાથે કહ્યું કે, વિશેષ ન્યાયાધીશે કાયદાના એ નક્કી કરેલા સિદ્ધાંત પર વિચાર નથી કર્યો કે જામીન રૂટિન પ્રક્રિયાથી ન આપવી જોઈએ. ઈડીએ તેમના વકીલ ડીપી સિંહના માધ્યમથી અરજી દાખલ કરી છે જેમાં કહેવામાં આવ્યું છે કે, વાડ્રાની ધરપકડ કરવા સામે આપેલી રાહત તપાસના ઉદેશ્યને નુકસાન પહોંચાડી શકે છે.

 

ઈડીની આ અરજી પર આગામી 27 મે ના રોજ સુનાવણી હાથ ધરાય તેવી શક્યતા છે. એજન્સીએ વાડ્રા ઉપરાંત તેમના નજીકના મનોજ અરોરાને આપેલા આગોતરા જામીનને પણ પડકાર્યા છે. અરોરા આ મામલે સહ આરોપી અને વાડ્રાની સ્કાઈલાઈટ હોસ્પિટાલિટી એલએલપીનો કર્મચારી છે. રોબર્ટ વાડ્રા પર બ્રિટનમાં લંડનના બ્રિન્સ્ટન સ્કેવેરમાં સંપત્તિ ખરીદી મામલે મની લોન્ડિરિંગનો આરોપ છે.

ફાઈલ ચિત્ર

નીચલી કોર્ટ વાડ્રાને રાહત આપતા આદેશ આપ્યો હતો કે, વાડ્રા પૂર્વ મંજૂરી વગર દેશની બહાર નહીં જઈ શકે અને તપાસ અધિકારીઓ કહે ત્યારે તેમણે તપાસ માટે હાજર થવાનું રહેશે. મહત્વનું છે કે, ડિસેમ્બર 2018માં વાડ્રાના કાર્યલય પરિસરની તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં 20 હજાર પેજના દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા હતાં. ઈડીએ વાડ્રાના આવેદનનો વિરોધ કરીને કહ્યું કે, તેમની ધરપકડ કરીને પુછપરછની જરૂર છે અને માત્ર તપાસથી છેડછાડ થવાનું જોખમ છે.

વાડ્રાએ તેમના આવેદનમાં આરોપ લગાવ્યો હતો કે, આ કાર્યવાહી રાજકીયથી પ્રેરિત છે. ઈડીએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે, વાડ્રાની નજીકના સહયોગી અરોરા તેમની વિદેશી અઘોષિત સંપત્તિ અંગે જાણતો હતો અને સંપત્તિ એક્ઠી કરવામાં તેમની ભૂમિકા હતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]