EDનો ઇરાદો તપાસને બહાને મારી ધરપકડ કરવાનોઃ કેજરીવાલ

નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ લિકર કૌભાંડ મામલે ED દ્વારા ચોથા સમન્સ મળ્યા પછી પણ હાજર થવાની સંભાવના નથી, કેમ કે તેઓ ત્રણ દિવસ માટે ગોવાના પ્રવાસે જવાના છે. ગયા સપ્તાહે જ EDએ CM કેજરીવાલને નોટિસ જારી કરીને 18 જાન્યુઆરીએ હાજર થવા ફરમાન કર્યું હતું.

દિલ્હી સરકાર અને આપ પાર્ટીનાં સૂત્રોએ કહ્યું હતું કે કેજરીવાલ લોકસભા ચૂંટણીને લઈને પાર્ટીની તૈયારીઓની સમીક્ષા કરવા માટે ગોવાની મુલાકાતે છે.કેજરીવાલે ચોથા સમન્સ પર ED સામે હાજર નથી થયા. તેમણે તેમના જવાબમાં EDનો ઉદ્દેશ તેમની ધરપકડ કરવાનો છે. આમ આદમી પાર્ટીએ કહ્યું હતું કે ED કેજરીવાલને લોકસભા ચૂંટણીમાં પ્રચારથી અટકાવવાનો છે, જ્યારે EDએ ચાર્જશીટમાં લખ્યું છે કે કેજરીવાલ આરોપી નથી, તો પછી તેમને કેમ સમન્સ મોકલી રહી છે અને તેમની ધરપકડની તૈયારી કેમ? એમ આપે સવાલ પૂછ્યો હતો.

પાર્ટીએ કહ્યું હતું કે જે ભ્રષ્ટ નેતા ભાજપમાં જોડાઈ જાય છે, એમના કેસ બંધ કરી દેવામાં આવે છે. અમે કોઈ ભ્રષ્ટાચાર નથી કર્યો, અમારા કોઈ નેતા ભાજપમાં નહીં જાય.

કેજરીવાલે પાછલા દિવસોમાં EDને એક પત્ર લખ્યો હતો. EDને લખેલા પત્રમાં તેમણે એજન્સી પાસે એક પ્રશ્નાવલિ માગી છે. તેમણે એ વાતનો પણ ઉલ્લેખ કર્યો છે કે 19 જાન્યુઆરીએ રાજ્યસભાની ચૂંટણી છે અને તેમને 26 જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિવસના કાર્યક્રમમાં દિલ્હી CM તરીકે ભાગ લેવાનો છે. તેમણે એજન્સીના ધરપકડના ઇરાદા પર સવાલો કર્યા હતા.