ભ્રષ્ટાચારના મામલે તામિલનાડુના વગદાર ઊર્જા પ્રધાન બાલાજીની ધરપકડ

ચેન્નાઈઃ કેન્દ્રીય તપાસ એજન્સી એન્ફોર્મેન્ટ ડાયરેક્ટોરેટ (ઈડી)ના અધિકારીઓએ નોકરી કૌભાંડ (રોકડા પૈસા લઈને નોકરી અપાવવાના) સંબંધમાં તામિલનાડુના વીજળી ખાતાના પ્રધાન વી. સેન્થિલ બાલાજીની પ્રીવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ ધરપકડ કરી છે. પૂછપરછના કલાકો લાંબા દોર પછી બાલાજીની ધરપકડ કરવામાં આવી હતી. આને લીધે તામિલનાડુના મુખ્ય પ્રધાન અને શાસક ડીએમકે પાર્ટીના વડા સ્ટેલિનને મોટો રાજકીય ફટકો પડ્યો છે.

ધરપકડ કર્યા બાદ મોટું નાટક સર્જાયું હતું. પ્રધાન બાલાજી ધ્રૂસ્કે ધ્રૂસ્કે રડવા લાગ્યા હતા અને બેચેની થતી હોવાની ફરિયાદ કરી હતી. એટલે એમને શહેરની એક સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઈડી અધિકારીઓ બાલાજીને બાદમાં એક સ્પેશિયલ કોર્ટમાં હાજર કરશે અને કેસના સંદર્ભમાં તપાસ માટે એમની કસ્ટડી માગશે.

ઈડી એજન્સીએ મની લોન્ડરિંગના કેસમાં તપાસના ભાગરૂપે ગઈ કાલે તામિલનાડુ રાજ્યના અનેક શહેરોમાં દરોડા પાડ્યા હતા. આ કેસ તામિલનાડુના કરુર શહેરના વગદાર નેતા બાલાજી સામેના નોકરી કૌભાંડને લગતો છે. રોકડા પૈસા લઈને નોકરી અપાવવાના કૌભાંડમાં બાલાજીનું નામ આવ્યું છે. એમની સામે તપાસ કરવાની પોલીસ અને એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટને સુપ્રીમ કોર્ટે પરવાનગી આપ્યા બાદ દરોડા પાડવામાં આવ્યા હતા. ઈડી અધિકારીઓએ ચેન્નાઈમાં બાલાજીના સત્તાવાર નિવાસસ્થાન, એમની સત્તાવાર ચેમ્બર અને એમના ભાઈ અશોકના નિવાસસ્થાને પણ દરોડા પાડ્યા હતા.