નવી દિલ્હી/ઈસ્લામાબાદ – પાકિસ્તાનના કબજા હેઠળના કશ્મીર (PoK)માં આજે બપોરે 6.3ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ આવ્યો હતો અને લગભગ 4.30 વાગ્યે દિલ્હી-NCR સહિત ઉત્તર ભારતમાં પણ એનો તીવ્ર આંચકો લાગ્યો હતો. દિલ્હીમાં અનેક સેકંડ સુધી આંચકાનો અનુભવ થયો હતો. એક અહેવાલ મુજબ, પાકિસ્તાનના તાબા હેઠળના કશ્મીરમાં 8 જણનાં મરણ થયા છે અને 100 જેટલા લોકોને ઈજા થઈ છે.
પાકિસ્તાનના ‘જિયો ટીવી’ના અહેવાલ મુજબ, ઈસ્લામાબાદ, રાવલપીંડી, જેલમ, ચારસઢા, સ્વાત, ખૈબર, એબટાબાદ, નૌશેરા, માનશેરા જેવા અનેક ભાગોમાં ધરતી જોરદાર રીતે ધ્રૂજી ગઈ હતી.
‘ડોન’ અખબારની વેબસાઈટના જણાવ્યા મુજબ પાકિસ્તાનના જુદા જુદા ભાગોમાં 8-10 સેકંડ સુધી ધ્રૂજારીનો અનુભવ થયો હતો. આંચકો તીવ્ર હતો.
યુનાઈટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વે (USGS)ના જણાવ્યા મુજબ પાકિસ્તાનના કબજા હેઠળના કશ્મીરમાં 5.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. એનું કેન્દ્રબિંદુ મિરપુરની દક્ષિણ-પૂર્વ બાજુએ લગભગ એક કિલોમીટરના અંતરે અને ધરતીમાં 10 કિ.મી. ઊંડે હોવાનું માલૂમ પડ્યું હતું. કેન્દ્રબિંદુ ભારતના શ્રીનગર શહેરથી 140 કિ.મી. દૂર આવેલું છે.
ભારતીય વેધશાળાના જણાવ્યા મુજબ, બપોરે 4.31 વાગ્યે ભારત-પાકિસ્તાન (જમ્મુ અને કશ્મીર) સરહદીય વિસ્તારમાં 6.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.
યુરોપીયન-મેડિટરેનીયન સીસ્મોલોજિકલ સેન્ટરના જણાવ્યા મુજબ ભૂકંપ પાકિસ્તાનમાં રાવલપીંડી શહેરના અગ્નિ ખૂણે આવ્યો હતો.
EMSC એજન્સીએ શરૂઆતમાં ભૂકંપની તીવ્રતા 6.1ની જણાવી હતી, પણ બાદમાં એણે તે 5.7 અને પછી 5.5 સુધી ઘટાડેલી દર્શાવી હતી.
ભૂકંપનો આંચકો રાષ્ટ્રીય પાટનગર દિલ્હી, ચંડીગઢ, જમ્મુ અને કશ્મીરના અનેક ભાગ તથા પાકિસ્તાનમાં પણ અનુભવાયો હતો.
પંજાબ અને હરિયાણા, હિમાચલ પ્રદેશમાં પણ ભૂકંપનો આંચકો લાગ્યો હતો.
Earthquake of Magnitude:6.3, Occurred on:24-09-2019, 16:31:58 IST, Lat:32.9 N & Long: 73.7 E, Depth: 40 Km, Region: Pakistan – India (J & K ) Border region pic.twitter.com/tH6RDjGuxD
— India Met. Dept. (@Indiametdept) September 24, 2019
ભૂકંપનું અંદાજિત કેન્દ્રબિંદુ જેલમ નદીની પેલે પાર મંગલા ડેમની નજીક હોવાનું માલૂમ પડ્યું હતું. આ ડેમ વિશ્વમાં સૌથી મોટા ડેમમાંનો એક ગણાય છે.
ભૂકંપને કારણે ડેમના બાંધકામને કોઈ પ્રકારનું નુકસાન થયાનો અહેવાલ નથી. આ વિસ્તારમાં ભૂતકાળમાં અનેક ભૂકંપ આવી ચૂક્યા છે અને તે બધાય વખતે આ ડેમ અડીખમ રહ્યો છે.