પ્રો. પ્રભુદત્ત ખેરાનું નિધન, 30 વર્ષ રહ્યા જંગલમાં, સુધાર્યું આદિવાસીઓનું જીવન…

નવી દિલ્હીઃ સમાજસેવી, શિક્ષાવિદ અને બેગા આદિવાસીઓના માટે ઉદ્ધારક ગણાતા દિલ્હી વિશ્વવિદ્યાલયના પૂર્વ પ્રોફેસર ડો. પ્રભુદત્ત ખેરાનું નિધન થયું છે. 13 એપ્રિલ 1928 ના રોજ પાકિસ્તાનના લાહોરમાં જન્મેલા ડો. ખેરાએ પોતાના જીવનના 30 વર્ષ બેગા આદિવાસીઓના જીવનને સારું બનાવવા માટે જંગલમાં આપ્યો. તેમના અંતિમ સંસ્કાર આજે સવારે 11 વાગ્યે મુંગેલી જિલ્લાના વનગ્રામ લમની પાસે થયાં.

લમની, છાપરવા અને આસપાસનો વન્ય વિસ્તાર તેમનું કર્મ સ્થળ રહ્યો છે. ગાઢ જંગલો વચ્ચે વસેલા વનવાસીઓ અને આદિવાસીઓ વચ્ચે પ્રોફેસર ખેરા દિલ્લી વાળા બાબાના નામથી ઓળખાતા હતા. તેઓ એટલા લોકપ્રીય અને વિશ્વાસપાત્ર બની ગયા હતા કે આદિવાસીઓ તેમની દરેક વાત પૂર્ણતઃ સ્વીકારતા હતા.

લમનીની સ્કૂલમાં ભણી રહેલા વનવાસી બાળકો આનું સૌથી મોટું પ્રમાણ છે. અચાનકમાર સેન્ચ્યુરી સ્થિત ગામ લમનીમાં ડીયૂના રિટાયર્ડ પ્રોફેસર ડો. ખેરા એક ઝુંપડી બનાવીને આશરે 30 વર્ષ સુધી ત્યાં રહ્યા. તેઓ આદિવાસીઓમાં શિક્ષણનું અજવાળું ફેલાવીને તેમને જીવનની રાહ બતાવવાનું એક અદભૂત કાર્ય કરતા હતા. આના માટે ન તો તેમણે સરકારની મદદ લીધી અને ન તો કોઈ પાસે હાથ લંબાવ્યા.

પ્રોફેસર ડો. પ્રભુદત્ત ખેરા પોતાના પેન્શનની રકમથી આદિવાસીઓનું જીવન સુધારવાનું કાર્ય કરતા હતા. ડો. ખેરા ગણિત વિષયમાં એમએસસી અને સમાજશાસ્ત્રમાં એમએ સાથે પીએચડી હતા. વર્ષ 1993 માં પ્રો. ખેરા ડીયૂના સમાજશાસ્ત્રના વિદ્યાર્થીઓની એક ટીમ લઈને છત્તિસગઢ સ્થિત અચાનકમારના ગાઢ જંગલોમાં શૈક્ષણિક ટૂર પર આવ્યા હતા. ત્યારબાદ ડો. ખેરા અહીંયાના જ બનીને રહી ગયા અને તેમણે આદિવાસીઓના જીવનમાં શિક્ષણનું અજવાળું પાથર્યું.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]