બિહાર અને બંગાળમાં અનુભવાયો 5.5ની તીવ્રતાનો ભૂકંપ, કેન્દ્ર બિંદુ આસામ

નવી દિલ્હી- બિહાર, પશ્ચિમ બંગાળ સહિત દેશના પૂર્વોત્તર રાજ્યોમાં આજે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતાં. બિહારના કિશનગંજ, પૂર્ણિયા અને કટિહાર વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.5 માપવામાં આવી હતી. જો કે હજી સુધી જાન માલના કોઈ નુકસાનના સમાચાર નથી.મળતી માહિતી મુજબ લગભગ 25થી 30 સેકન્ડ સુધી ભૂકંપના આંચકા અનુભવાયાં હતા. નોર્થ ઈસ્ટ ઉપરાંત હરિયાણાના ઝજ્જરમાં પણ ભૂકંપ આવ્યો હતો. જેની અસર જમ્મુ-કશ્મીર સુધી અનુભવાઈ હતી.

સવારે 10 વાગ્યાની આસપાસ ભૂકંપના આંચકા અનુભવાયાં હતા. ભૂકંપ બિહાર, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ અને આસામમાં અનુભવાયો હતો. ભૂકંપ બાદ આ વિસ્તારમાં રહેતા લોકોમાં ખળભળાટ ફેલાયો હતો. અને લોકો પોતપોતાના ઘરમાંથી બહાર દોડી આવ્યાં હતા.

આ પહેલાં બુધવારે જ હરિયાણામાં પણ ભૂકંપના આંચકા અનુભવાયાં હતા. જેની અસર જમ્મુ-કશ્મીર સુધી જોવા મળી હતી. કશ્મીરમાં અનુભવાયેલા ભૂકંપની તીવ્રતા 4.6 માપવામાં આવી હતી. ભૂકંપને કારણે કોઈ નુકસાનની સમાચાર નથી. આ સિવાય હરિયાણાના ઝજ્જરમાં પણ ભૂકંપ અનુભવાયો હતો જેની તીવ્રતા 3.1 નોંધાઈ હતી.