નવી દિલ્હીઃ એમેઝોન, ફ્લિપકાર્ટ અને સ્નેપડીલ જેવી ઈ-કોમર્સ કંપનીઓને જણાવી દેવામાં આવ્યું છે કે હવેથી તેમણે એમના પ્લેટફોર્મ પરથી વેચાતા આયાતી ઉત્પાદનોના મૂળ દેશનું નામ દર્શાવવું પડશે. એટલે કે હવે એ જણાવવું પડશે કે જે તે ઉત્પાદન કયા દેશનું છે. કેન્દ્ર સરકારે બુધવારે દિલ્હી હાઇકોર્ટને આ માહિતી આપી હતી.
કેન્દ્ર દ્વારા મુખ્ય જસ્ટિસ ડી. એન. પટેલ અને જસ્ટિસ પ્રતીક જાલાનની ખંડપીઠની સમક્ષ નોંધવામાં આવેલા સોગંદનામા (એફિડેવિટ)માં કહેવામાં આવ્યું છે કે લીગલ મેટ્રોલોજી એક્ટ અને નિયમો હેઠળ ઈ-કોમર્સ સાઇટોએ એ ખાતરી આપવી પડશે કે ઈ-કોમર્સની લેવડદેવડ માટે ઉપયોગમાં લેવાનારા ડિજિટલ અને ઇલેક્ટ્રોનિક્સ નેટવર્ક પર કોઈ પણ પ્રોડક્ટ પર એના મૂળ ઉત્પાદક દેશનું નામ દર્શાવવામાં આવ્યું હશે.
કેન્દ્ર સરકારના વકીલ અજય દિગપોલ દ્વારા સોગંદનામામાં કહેવામાં આવ્યું હતું કે આ નિયમોનું પાલન કરાવવાની જવાબદારી રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની છે.
દિગપોલે કહ્યું હતું કે જ્યાં પણ આ નિયમોનું ઉલ્લંઘન થયેલું માલૂમ પડશે, સંબંધિત રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના લીગલ મેટ્રોલોટી વિભાગના અધિકારી દ્વારા કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. આ સોગંદનામામાં કહેવામાં આવ્યું હતું કે આના પર જરૂરી નિર્દેશ બધી ઈ-કોમર્સ કંપનીઓ, બધાં રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના લીગલ મેટ્રોલોજી કન્ટ્રોલર્સને મોકલવામાં આવી છે.
કેન્દ્ર દ્વારા આ સોગંદનામું એક જનહિત અરજી પર નોંધાવવામાં આવ્યું હતું. એડવોકેટ અમિત શુક્લા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં કેન્દ્રને એ નિર્દેશ આપવાનો આગ્રહ કરવામાં આવ્યો હતો કે ઈ-કોમર્સ મંચો પર વેચાતી પ્રોડક્ટ્સ પર (ઉત્પાદનો) એના ઉત્પાદક દેશોનું નામ દર્શાવવામાં આવવું જોઈએ.