વપરાયેલા માસ્કને ફરીથી વાપરવા યોગ્ય બનાવશે આ મશીન

નવી દિલ્હી: રાજધાની દિલ્હીની એક સ્ટાર્ટ-અપ કંપનીએ એક એવું મશીન બનાવ્યું છે જે કોરોના રોગચાળા દરમ્યાન વાપરવામાં આવેલા માસ્કને ફરીથી વાપરવા યોગ્ય બનાવશે! ‘ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી’ (IIT) દિલ્હીની એક સ્ટાર્ટઅપ કંપનીએ ઓઝોન આધારિત Chakr DeCoV નામનું એક એવું મશીન બનાવ્યું છે, જે વપરાયેલા N95 માસ્કનું શુદ્ધીકરણ કરીને એને ફરીથી ઉપયોગમાં લેવા યોગ્ય બનાવી આપશે. આ મશીન ખાસ કરીને હેલ્થ વર્કરોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે. હેલ્થ વર્કરો જે દિવસ-રાત કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવારમાં ખડે પગે હોય છે, તેમનો આ વાયરસથી બચવાના ઉપાય તરીકે માસ્ક ઉપર મોટો આધાર હોય છે.

રાજ્યમંત્રી અશ્વિનીકુમાર ચૌબેના હસ્તે શુક્રવારે Chakr DeCoV મશીનનો શુભારંભ કરવામાં આવ્યો. N95 માસ્કને વાપરીને ફેંકી દેવામાં આવે તો પર્યાવરણ માટે જોખમી છે અને તેને વ્યવસ્થિત રીતે શુદ્ધ ન કરીને વાપરવામાં આવે તો જીવને માટે પણ જોખમી છે. આઈઆઈટી-દિલ્હીની સ્ટાર્ટ-અપ કંપનીએ અજોડ ટેકનોલોજીથી બનાવેલા Chakr DeCoV મશીન દ્વારા N95 માસ્કનું માત્ર 90 મિનિટમાં શુદ્ધિકરણ થઈને ફરીથી તે વાપરવાલાયક બની જાય છે.

‘Chakr DeCoV મશીન એ અત્યાધુનિક ઓઝોન આધારિત વિશુદ્ધીકરણની ટેકનોલોજીથી બનાવવામાં આવ્યા છે. જે હોસ્પિટલના વાતાવરણને હિસાબે જરૂરી એવું ઉચ્ચ સ્તરનું શુદ્ધિકરણ પૂરૂં પાડે છે. કોરોના વાયરસની સારવાર વખતે ઉત્પન્ન થનારા બાયોમેડિકલ કચરા બાબતે ચિંતા દૂર કરવામાં અમારું આ ઉત્પાદન મદદરૂપ થશે.’ એવું Chakr DeCoVના સીઈઓ કુશાગ્ર શ્રીવાસ્તવે જણાવ્યું.

આ ઉત્પાદનની ડિઝાઈન એક કેબિનેટ જેવી રાખવામાં આવી છે. જેમાં રહેલો ઓઝોન ગેસ N95 માસ્કના છિદ્રોની અંદર પહોંચીને માસ્કની દરેક લેયરનું સંપૂર્ણ રીતે શુદ્ધિકરણ કરે છે.

ઓઝોન એ એક બહુ જ સબળ ઓક્સિડાઈઝીંગ એજેન્ટ છે. જે વાયરસની ઉપરના પ્રોટીન કોટનો નાશ કરીને એના RNAનો ખાત્મો કરે છે. ઓઝોનના માનવીય સંસર્ગને લઈને સલામતી માટે આ મશીનને બાયો સેફ્ટી ડોર તેમજ કેટાલિટીક રિડક્શન સિસ્ટમથી સજ્જ કરવામાં આવ્યું છે.

આ ટેકનોલોજીનું આઈઆઈટી-દિલ્હીના બાયોમેડિકલ એન્જિનિયરિંગ સેન્ટરમાં પરીક્ષણ કરવામાં આવ્યું છે અને સલામતી અને વિશ્વસનીયતા માટે તેનું ઈન-હાઉસ સખત પરીક્ષણ કરવામાં આવ્યું છે. આ સ્ટાર્ટ-અપ કંપની પૂનામાં પોતાના ઉત્પાદન માટેના સફળ પાઈલટ્સ ચલાવી રહી છે અને હવે સારી રીતે ચકાસાયેલ અને વિશ્વસનીય એવું આ ઉત્પાદન માપદંડ માટે તૈયાર છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]