નવી દિલ્હીઃ પોતાની સરકાર દ્વારા દિલ્હીમાં શરૂ કરવામાં આવનાર ‘ઘર-ઘર રાશન યોજના’ પર પ્રતિબંધ મૂકવા બદલ મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે કેન્દ્ર સરકારની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી છે. એમણે કહ્યું છે કે આ યોજના શરૂ કરવા માટે અમે કેન્દ્ર પાસે એક વાર નહીં, પાંચ વખત મંજૂરી મેળવી છે. યોજના આવતા સપ્તાહથી શરૂ કરવામાં આવનાર હતી. બધી તૈયારીઓ થઈ ચૂકી હતી, પણ અચાનક બે દિવસ પૂર્વે કેન્દ્રએ એની પર પ્રતિબંધ મૂકી દીધો છે. એની પર પ્રતિબંધ શા માટે મૂકવામાં આવ્યો એ વિશે હું સીધા વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે જ વાત કરવા માગું છું. એમને કહેવા માગું છું કે તમે જો રાશન-માફિયાઓને સાથ આપશો તો ગરીબ લોકોની સાથે કોણ રહેશે? એ 70 લાખ ગરીબોનું શું થશે જેમનું અનાજ રાશન-માફિયાઓ ચોરી લે છે.
કેજરીવાલે આજે પત્રકાર પરિષદમાં સવાલ કર્યો હતો કે રાશનની હોમ ડિલીવરી શા માટે હોવી ન જોઈએ? આ દેશમાં જો સ્માર્ટફોન, પિઝ્ઝા, બર્ગરની હોમ ડિલીવરી કરી શકાતી હોય તો રાશનની કેમ નહીં? કોરોના સંકટકાળમાં અનેક ગરીબ લોકોની નોકરી ગુમાઈ ગઈ છે. તેઓ એમનાં ઘરની બહાર નીકળવા માગતા નથી. એટલે જ અમે એમના ઘેર રાશન પહોંચાડવા માગીએ છીએ. મારી વડા પ્રધાન મોદીને બે હાથ જોડીને વિનંતી છે કે તેઓ આ યોજનાને અટકાવે નહીં. આ યોજના માત્ર દિલ્હી જ નહીં, પરંતુ આખા દેશમાં લાગુ કરવી જોઈએ, કારણ કે રેશનિંગની દુકાનો ‘સુપરસ્પ્રેડર’ છે.
