ચાર વર્ષમાં ચાર વાર ફૂટ, ત્રણ વાર બદલાયા CM

 મુંબઈઃ ‘ઘર ફૂટે ઘર જાય’ એ કહેવત મહારાષ્ટ્રના રાજકારણ બરાબર લાગુ પડે છે. છેલ્લાં ચાર વર્ષોમાં ચાર વાર ફૂટ પડી છે અને ત્રણ વાર મુખ્ય પ્રધાન બદલાયા છે. સત્તાની મલાઈ ખાવા મહારાષ્ટ્રમાં ડર્ટી પોલિટિક્સ રમાઈ રહ્યું છે. બીજી જુલાઈએ NCP નેતા અજિત પવારે રાજ ભવનમાં ઉપ મુખ્ય પ્રદાનપદના શપથ લઈને સૌને ચોંકાવ્યા હતા. એ સાથે NCPમાંથી આઠ અન્ય વિધાનસભ્યો શિંદે-ફડણવીસ સરકારમાં સામલે થયા હતા. અજિત પાવરનો દાવો છે કે તેમની પાસે NCPના 40 વિધાનસભ્યોનો ટેકો છે. જોકે મહારાષ્ટ્રના રાજકારણમાં ઊલટફેર થવો એ કોઈ નવી વાત નથી. એનો જૂનો ઇતિહાસ છે.

ઓક્ટોબર, 2019માં જ્યારથી વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો જાહેર થયાં અને કોઈ પાર્ટીને પૂર્ણ બહુમત ના મળતાં રાજકારણના ખેલા શરૂ થયા હતા. વિધાનસભાની ચૂંટણી પરિણામો આવ્યા પછી શિવસેનાએ ભાજપ સામે મુખ્ય મંત્રીપદની માગ મૂકી હતી, જે ભાજપે ફગાવી. ભાજપ અને શિવસેના વચ્ચે મુખ્ય મંત્રીપદ મામલે ખેંચતાણ થઈ હતી. ત્યાર બાદ મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લગાવી દેવામાં આવ્યું હતું.  

23 નવેમ્બર, 2019એ સવારે પાંચ કલાકે ભાજપના દેવેન્દ્ર ફડણવીસે મુખ્ય પ્રધાન અને NCPના અજિત પવારે ઉપ મુખ્ય પ્રધાનના શપથ લીધા હતા. એ પછી ફડણવીસ સરકાર પડ્યા પછી કોંગ્રેસ, શિવસેના અને NCPએ ગઠબંધનવાળી મહાવિકાસ આઘાડી (MVA) સરકાર બનાવી હતી. એમાં શિવસેનામાંથી ઉદ્ધવ ઠાકરેએ મુખ્ય મંત્રીપદે આરૂઢ થયા હતા. ત્યારે પણ અજિત પવારને ડેપ્યુટી CM બનાવાયા હતા. આ સરકાર અઢી વર્ષ સુધી ચાલી હતી. ત્યાર બાદ જૂન, 2022માં શિવસેનાના 40 વિધાનસભ્યોની સાથે એકનાથ શિંદેએ બળવો પોકાર્યો હતો અને શિંદેએ ભાજપ સાથે સરકાર બનાવી હતી. હજી આ મામલો સુપ્રીમ કોર્ટમાં છે અને હવે, અજિત પવારે NCPમાં કાકા પવાર સામે બળવો પોકારીને સરકારમાં સામેલ થયા છે.