પુણેની ત્રણ વિધાનસભા સીટોને લઈને શિવસેના, NCP વચ્ચે મતભેદ?

મુંબઈઃ મહારાષ્ટ્રમાં લોકસભા ચૂંટણી પછી બધી પાર્ટીઓ વિધાનસભા ચૂંટણીની તૈયારીમાં લાગી ગઈ છે અને જેમ-જેમ ચૂંટણી નજીક આવી રહી છે, તેમ-તેમ રાજકીય ગરમાવો આવી રહ્યો છે. CM એકનાથ શિંદેવાળી શિવસેના અને ડેપ્યુટી CM અજિત પવારના નેતૃત્વવાળી NCP આગામી વિધાનસભા ચૂંટણી માટે પુણેની સીટોને લઈને સામસામે છે.

શિવસેનાનું શહેરી યુનિટ વડગાંવશેરી અને હડપસર વિધાનસભા સીટો પર ચૂંટણી લડવા કહી રહ્યું છે. આ સીટ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીની પાસે છે. શિંદે સેના પુણેના વડા નાના ભાંગિરેએ કહ્યું હતું કે અમે પાર્ટી નેતૃત્વથી કહ્યું છે કે રાજ્યમાં પુણેમાં આઠ વિધાનસભા સીટો છે અને એમાંથી કમસે કમ ત્રણ સીટો પર અમે ચૂંટણી લડવી જોઈએ. હડપસર, વડગાંવશેરી અને ખડકવાસલા સીટો પર પર પક્ષે ચૂંટણી લડવી જોઈએ. અહીં શિવસેનાની સારી પકડ છે, એમ તેમણે કહ્યું હતું.

સીટ વહેંચણી હેઠળ કોઈ પણ ઉમેદવાર મેદાનમાં ઊતરે, પાર્ટી ગઠબંધનના ઉમેદવાર માટે જ કામ કરશે, એમ તેમણે કહ્યું હતું.

NCP પુણેના કાર્યકારી અધ્યક્ષ પ્રદીપ દેશમુખે કહ્યું હતું કે અલાયન્સના શહેરી યુનિટની અંદર એક રાજકીય પક્ષ એ સીટોમાં રસ બતાવી શકે છે, જેના પર ચૂંટણી લડવા ઇચ્છે છે. તેમણે કહ્યું હતું કે વડગાંવશેર અને હડપસર સીટો પર હાલના સમયે NCPના વિધાનસભ્ય છે અને પાર્ટી એ સીટો પર પોતાનો દાવો કરશે. આમ વિધાનસભા ચૂંટણીમાં પુણેની આ ત્રણ સીટો પર બંને પક્ષો પર ખેંચાખેંચી થાય એવી વકી છે.