એવા પ્રવાસીઓને એરપોર્ટ પર જ દંડ ફટકારવાનો આદેશ

નવી દિલ્હીઃ જે લોકો કોરોનાવાઈરસનો ફેલાવો રોકવા માટે અમલમાં મૂકવામાં આવેલા નિયમોનું ઉલ્લંઘન કરશે એમને કદાચ વિમાનીમથકો પર જ દંડ ફટકારીને રકમ વસૂલ કરવામાં આવશે. દેશની સિવિલ એવિએશન રેગ્યૂલેટર એજન્સીએ એવા પ્રવાસીઓ પાસેથી તત્કાળ દંડ વસૂલ કરવાનો એરલાઈન કંપનીઓને આદેશ આપ્યો છે.

દેશભરમાં કોરોનાના કેસ ખૂબ વધી જતાં પરિસ્થિતિ ગંભીર બની ગઈ છે તેથી તમામ વિમાનીમથકો ખાતે દેખરેખને વધારે સઘન બનાવવાનો કેન્દ્ર સરકારે નિર્ણય લીધો છે. તેના ભાગરૂપે ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ) માસ્ક ન પહેરનાર અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા જેવા નિયમોનું ઉલ્લંઘન કરનાર પ્રવાસીઓ પાસેથી એરપોર્ટ પર જ દંડ વસૂલ કરવા વિચારે છે. નિયમોનું કડક પાલન કરવામાં આવે એની કાળજી લેવાની રેગ્યૂલેટરે તમામ એરલાઈનોને સૂચના આપી છે.