NCPપ્રમુખ શરદ પવારને બ્રીચકેન્ડી હોસ્પિટલમાં દાખલ કરાયા

મુંબઈઃ એનસીપીના પ્રમુખ શરદ પવારની અચાનક તબિયત ખરાબ થવાથી તેમને બ્રીચકેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એનસીપીના નેતા નવાબ મલિકના જણાવ્યાનુસાર શરદ પવારને પેટમાં દર્દને લીધે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમનું ચેકઅપ કર્યા પછી માલૂમ પડ્યું હતું કે તેમને ગોલબ્લેડરમાં સમસ્યા છે.

એનસીપીના નેતા નવાબ મલિકે જણાવ્યું હતું કે તેમની 31 માર્ચ, 2021એ એન્ડોસ્કોપી અને સર્જરી કરવામાં આવશે. જેથી એનસીપીના પ્રમુખના આગામી કાર્યક્રમોને રદ કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું હતું કે ડોક્ટરોએ શરદ પવારને લોહી પાતળું કરવાની દવા લેવાથી મનાઈ ફરમાવી છે.

મહારાષ્ટ્રમાં એનસીપી સંકટનો સામનો કરી રહી છે. એનઆઇએ એન્ટિલિયા અને સચિન વાઝે મામલે તપાસ કરી રહી છે. મુંબઈ પોલીસ કમિશનર પરમબીર સિંહે રાજ્યના ગૃહપ્રધાન અનિલ દેશમુખ પર પ્રતિ માહ રૂ. 100 કરોડની વસૂલીને લઈને ગંભીર આરોપ લગાવ્યા છે. આવામાં શરદ પવાર પાર્ટીને રાજ્યમાં સત્તા જાળવી રાખવા શાં પગલાં લે છે એ જોવું રહ્યું. એનસીપીના બે નેતાઓ અને ગુજરાતના વેપારીઓ વચ્ચે થયેલી મુલાકાતને ડિનર ડિપ્લોમસીથી અટકળોનું બજાર ગરમ છે. આ મામલે એનસીપીના શરદ પવાર અને પ્રફુલ્લ પટેલનું નામ બહાર આવ્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલા આ રાજકીય નાટકમાં બહુ મોટો ઊલટફેર થવાની શક્યતા છે. શરદ પવાર અને પ્રફુલ્લ પટેલે ગૃહપ્રધાન અમિત શાહ સાથે મુલાકાત પણ કરી છે.