દિલ્હીમાં વરસાદે 46-વર્ષનો રેકોર્ડ તોડ્યોઃ ઓરેન્જ એલર્ટ જારી

નવી દિલ્હીઃ દિલ્હી-એનસીઆરમાં શુક્રવારથી ભારે વરસાદ વરસી રહ્યો છે, જે શનિવાર સુધી ચાલુ છે. દિલ્હીમાં આ વર્ષે વરસાદે 11 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો છે. 2010 પછી એ પહેલી વાર છે. દિલ્હીમાં વરસાદનો સ્તર 1000 મિલીમીટરને પાર થયો છે. દિલ્હીમાં ભારે વરસાદને કારણે કેટલાય વિસ્તારોમાં રસ્તા પર પાણી ભરાયાં છે. ઇન્દિરા ગાંધી એરપોર્ટ પર કેટલાંક ફૂટ પાણી ભરાયાં છે.

હવામાન વિભાગે આગામી કેટલાક કલાકો દરમ્યાન વરસાદનું ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. કડાકાભડાકા અને તેજ ઝડપી પવનોની વચ્ચે પારો ત્રણથી ચાર ડિગ્રી ગગડ્યો હતો. જોકે મધુ વિહાર સહિત કેટલાય વિસ્તારોમાં પાણી ભરાવાને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. તાપમાનમાં ઘટાડો થવાથી લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.

હવામાન વિભાગે પહેલેથી જ સપ્ટેમ્બરમાં આ વખતે 10 ટકા વધુ વરસાદની આગાહી કરી હતી. જોકે ઓગસ્ટમાં 24 ટકા ઓછો વરસાદ નોંધાયો હતો.

વિભાગની આગાહી મુજબ દિલ્હી સિવાય યુપીમાં નોઇડા, ગ્રેટર, ગાજિયાબાદ, હિંડન એરબેઝ, લોની, દાદરીમાં પણ કેટલાક કલાકો સુધી વરસાદ વરસ્યો હતો. હરિયાણામાં પણ પાણીપત, સોનીપત, ઝઝ્ઝર સહિત મોટા ભાગના જિલ્લાઓમાં વરસાદ વરસ્યો હતો. વેસ્ટ યુપીમાં ડિબાઈ, અલીગઢ, બડૌત, બાગપત જેવાં તમામ ક્ષેત્રોમાં ભારે વરસાદ થયો હતો.

દેશમાં મધ્ય ભારતમાં 39 ટકા ઓછો વરસાદ નોંધાયો હતો, જેમાં મહારાષ્ટ્ર, ગુજરાત, ગોવા, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને ઓડિશા સહિત ઉત્તર-પશ્ચિમ ભારતમાં 30 ટકા ઓછો વરસાદ નોંધવામાં આવ્યો હતો.