દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં આજે પરિણામઃ મતગણતરીમાં AAP આગળ

નવી દિલ્હી – 70 બેઠકોની દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટે ગઈ 8 ફેબ્રુઆરીએ થયેલા મતદાન બાદ આજે સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ ગઈ છે. શરૂઆતના ટ્રેન્ડમાં શાસક આમ આદમી પાર્ટીના ઉમેદવારો 53 સીટ પર આગળ હતા જ્યારે ભાજપના ઉમેદવારો 14 અને કોંગ્રેસ 1 સીટ પર આગળ હતા.

આમ આદમી પાર્ટી પોતાની સત્તા જાળવી રાખશે કે ભારતીય જનતા પાર્ટી એની પાસેથી સત્તા છીનવી લેશે? આજના પરિણામ પર સૌની મીટ મંડાયેલી છે. બપોર સુધીમાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે.

ચૂંટણી પંચના નિયમ અનુસાર મતગણતરીની કામગીરીનો આરંભ ટપાલમાં આવેલા મતોની ગણતરીથી કરવામાં આવ્યો હતો. એ ગણતરીમાં આમ આદમી પાર્ટીને બહુમતી મળી હતી.

દિલ્હીમાં કુલ 27 કેન્દ્રો પર મતગણતરીનું કામ ચાલી રહ્યું છે.

દિલ્હીના નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદીયા આજે સવારે એમના ઘેરથી ભગવાનની પ્રાર્થના કરીને બહાર નીકળ્યા હતા અને કહ્યું હતું કે અમે પાંચ વર્ષના શાસનમાં લોકો માટે કામ કર્યું છે. અમને વિશ્વાસ છે કે અમે જ ફરી જીતીશું.

બીજી બાજુ, ભાજપના દિલ્હી એકમના પ્રમુખ મનોજ તિવારીએ કહ્યું કે, હું જરાય નર્વસ નથી. મને વિશ્વાસ છે કે અમે જ ચૂંટણીમાં વિજયી થશું. જો અમને 55 સીટ મળશે તો પણ કોઈને આશ્ચર્ય નહીં થાય.

દિલ્હીમાં 62.59 ટકા મતદાન થયું હતું.

2015ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી 67 બેઠક જીતીને સપાટો બોલાવી દીધો હતો અને અરવિંદ કેજરીવાલ મુખ્ય પ્રધાન બન્યા હતા.