દિલ્હીઃ અબ કી બાર ફિર કેજરીવાલ સરકાર….

નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં મત ગણતરી ચાલુ છે, ત્યારે પ્રારંભિક મત ગણતરીનાં વલણોમાં આમ આદમી પક્ષને બહુમતી તરફ આગળ વધી ચૂકી છે. આમ આદમી પાર્ટી 50થી વધુ સીટો પર આગળ છે, જ્યારે ભાજપ 15થી વધુ બેઠકો પર આગળ છે. કોંગ્રેસની વાત કરીએ તો એ માત્ર એક બેઠક પર આગળ છે.  જોકે આપ પાર્ટી સ્પષ્ટ બહુમત તરફ આગળ વધી રહી છે, પણ ગઢ આલા પણ સિંગ ગેલા જેવો ઘાટ સર્જાયો છે.  દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ નવી દિલ્હી બેઠક પર આગળ છે, પણ  ઉપ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયા પડપડગંજ બેઠક પર  પાછળ ચાલી રહ્યા છે.  સંપૂર્ણ ચૂંટણી પરિણામ બપોર સુધી આવવાની સંભાવના છે.

દિલ્હી ચૂંટણીમાં શનિવારે થયેલા મતદાન પછી વિવિધ ચેનલોના એક્ઝિટ પોલમાં કેજરીવાલ હેટટ્રિક કરશે એવાં અનુમાન થયાં હતા. આ ચૂંટણી પોલને ભાજપે એક સૂરે નકારી કાઢ્યા હતા. જોકે ભાજપનો વિશ્વાસ પોકળ સાબિત થતો લાગી રહ્યો છે. કેજરીવાલ સરકાર ફરી એક વાર દિલ્હી સર કરશે એવું હાલ તો લાગી રહ્યું છે. દિલ્હી ચૂંટણી પરિણામો કેટલીય બેઠકો પરની મતગણતરી દર્શાવે છે કે પ્રતિસ્પર્ધીઓ વચ્ચે કાંટાની ટક્કર ચાલી રહી છે. આમ આદમી પાર્ટીએ જે મફતમાં વીજળી અને પાણી આપવાની વાત કરી હતી, એ તેને લાભ કરાવી રહી હોય એવું લાગે છે. મત ગણતરીના પ્રારંભિક વલણો દર્શાવે છે કે આપ પાર્ટી 58 બેઠકો સાથે સ્પષ્ટ બહુમતી હાંસલ કરશે, જ્યારે ભાજપ માત્ર 12 બેઠકો પર આગળ છે. દિલ્હીમાં 70 વિધાનસભાની બેઠકો છે, જેમાં કુલ 670 ઉમેદવારો મેદાનમાં છે. આ ચૂંટણીમાં મુખ્યત્વે આમ આદમી પાર્ટી અને ભાજપ અને કોંગ્રેસ વચ્ચે છે.