નવી દિલ્હી: નાગરિકતા કાયદા વિરુદ્ધ દિલ્હીના શાહીન બાગમાં છેલ્લા એક મહિનાથી પ્રદર્શન કરી રહેલા લોકોએ તેમની માંગણીઓ જ્યાં સુધી પૂર ન થાય ત્યાં સુધી અહીંથી હટવાની મનાઈ કરી દીધી છે. આ વચ્ચે પોલીસે આ લોકોને પ્રદર્શન બંધ કરવાની અપીલ કરી અને સાથે આ વિસ્તારના કેટલીક જાણીતી વ્યક્તિઓ સાથે મળીને મામલાને ઉકેલવાનો પણ પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.
આ બધા વચ્ચે દિલ્હી પોલીસે શાહીન બાગમા પ્રદર્શનકારીઓને અહીંથી ખસેડવા માટે એક બેઠક પણ બોલાવી હતી. આ અગાઉ શાહીન બાગ-કાલિંદી કુંજમાં રસ્તા પર ચક્કાજામ મામલે મંગળવારે સુનાવણી કરતા દિલ્હી હાઈકોર્ટે દિલ્હી પોલીસ અને કેન્દ્રની તરફેણ કરી છે. હાઈકોર્ટે આ મામલે પોલીસને કાયદા હેઠળ કામ કરવા કહ્યું છે.
મહત્વનું છે કે, શાહીનબાગને પગલે અન્ય બીજા ક્ષેત્રોમાં પણ આ પ્રકારના પ્રદર્શન શરું થઈ ગયા છે. હવે આ પ્રદર્શનમાં બહારથી પણ લોકો જોડાઈ રહ્યા છે. પંજાબથી ભારતીય કિસાન યુનિયનના અનેક પ્રદર્શનકારીઓ બુધવારે અહી પહોંચ્યા હતા અને વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા. આ ઉપરાંત આજે પણ જામિયા અને જેએનયુમાં દિલ્હી પોલીસના એક્શન વિરુદ્ધ વિદ્યાર્થીઓએ પ્રદર્શન ચાલુ રાખ્યું છે.
કોંગ્રેસ નેતા મણિશંકર અય્યર મંગળવારે દિલ્હીના શાહીન બાગ વિસ્તારમાં CAA અને NRC અંગે પ્રદર્શનમાં સામેલ થયા હતા. અય્યરે કહ્યું કે, હું વ્યક્તિગત રીતે બધુ કરવા માટે તૈયાર છું. જે પણ બલિદાન આપવાનું હોય, તેના માટે પણ તૈયાર છું. હવે જોઈએ કોણા હાથ મજબૂત છે, આપણા કે એ ખૂનીના? અય્યરે વધુમાં કહ્યું કે,‘ચૂંટણીમાં ભાજપને બહુમતી મળી, તેમણે કહ્યું હતું કે, અમે સૌનો સાથ, સૌનો વિકાસ કરીશું, પણ શું એ લોકો આવું કર્યું. તેમણે સૌનો સાથ, સૌનો વિનાશ કર્યો. તમે જ એમને વડાપ્રધાન બન્યા, તમે જ તેમને સિંહાસન પરથી ઉતારી શકશો.’