દિલ્હી ચૂંટણીજંગ ચરમસીમાએઃ નરેન્દ્ર મોદીની એન્ટ્રી

નવી દિલ્હીઃ દિલ્હીની વિધાનસભાની ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે તેમ-તેમ ચૂંટણી જંગ એની ચરમસીમાએ પહોંચી રહ્યો છે. ખાસ કરીને ભાજપ અને આપ વચ્ચે ખરાખરીનો ચૂંટણીજંગ ખેલાઈ રહ્યો છે. દિલ્હીના ભાજપના સાત સંસદસભ્યો, ગૃહપ્રધાન અમિત શાહ અને ભાજપપ્રમુખ જેપી નડ્ડા દિલ્હી કબજે કરવા માટે એડીચોટીનું જોર અજમાવી રહ્યા છે તો બીજી બાજુ દિલ્હીના મુખ્ય પ્રધાન કેજરીવાલ રોજેરોજ રોડ શો કરી રહ્યા છે. દિલ્હીના દંગલમાં હવે વડા પ્રધાને પણ ઝુકાવ્યું છે. દિલ્હી ચૂંટણી જંગમાં તેમની પહેલી ચૂંટણીસભા યોજાઈ છે.

વડા પ્રધાને આ ચૂંટણીજંગમાં કેજરીવાલ સરકારની ઝાટકણી કાઢતાં કહ્યું હતું કે દેશમાં તો કામ થઈ રહ્યું છે, પણ દિલ્હીમાં કામ રાજ્ય સરકાર કરવા નથી દેતી. કેજરીવાલ સરકાર કેન્દ્રની આવાસ યોજના લાગુ કરવા નથી દેતી. આ ઉપરાંત તેમણે તેમની સરકારની અનેક ઉપલબ્ધિઓ ગણાવી હતી અને દિલ્હીમાં ભાજપ સરકાર બનાવવા માટે સામાન્યજનને હાકલ કરી હતી.

દિલ્હીમાં એક તરફ ગૃહપ્રધાન અમિત શાહ દિલ્હી વિધાસભાની ચૂંટણીમાં આક્રમક ચૂંટણીપ્રચાર અને જનસપર્ક અભિયાન ચલાવી રહ્યા છે. તેઓ રાત-દિવસ દિલ્હીનો જંગ જીતવા આકાશપાતાળ એક કરી રહ્યા છે.  દિલ્હી વિધાનસભાની ચૂંટણીજંગ જીતવા તેમણે બિહારના મુખ્ય પ્રધાન નીતીશકુમારને પણ ચૂંટણીસભા સંબોધવા ઉતાર્યા હતા. ગૃહપ્રધાન સાથે ભાજપના હજ્જારો કાર્યકરો દિલ્હીવાસીઓને વ્યક્તિગત રીતે મળી રહ્યા છે અને પાર્ટીનાં ફરફરિયા વહેંચી રહ્યા છે. પક્ષના કાર્યકરો ચૂંટણીસભાઓમાં ભાજપના ઝંડાઓ લહેરાવી રહ્યા છે. અને ભાજપને લગતા અને ગૃહપ્રધાન અમિત શાહને લગતાં સૂત્રો પોકારી રહ્યા છે ત્યારે ભાજપના સ્ટાર પ્રચારક અને દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દિલ્હીના ચૂંટણીજંગમાં  ઝંપલાવતાં પહેલવહેલી ચૂંટણીસભાને સંબોધી હતી. આમ ભાજપ  જે રીતે માટે દિલ્હી વિધાનસભાનાં ચૂંટણીજંગ જીતવા પ્રયાસ કરી રહ્યો છે, એ જોતાં દિલ્હીનાં ચૂંટણી પરિણામો કેવાં આવે છે એના પર ખાસ નજર રાખવી રહી.
દિલ્હીમાં આવનારા દિવસોમાં ગૃહપ્રધાન અમિત શાહ તો અનેક ચૂંટણીસભાઓ તો ગજવવાના છે જ, પરંતુ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ દિલ્હી સર કરવા ચૂંટણી સભાઓ કરવાના છે. આમ હવે ભાજપ દિલ્હી ચૂંટણી જંગમાં યેનકેનપ્રકારેણ વિજય હાંસલ કરવા માગે છે, એ સ્પષ્ટ થયું છે.