દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી માટે મતદાનનો આરંભઃ 1.47 કરોડ મતદારો છે

નવી દિલ્હી – દેશના હાર્દ સમા દિલ્હી રાજ્યમાં નવી વિધાનસભાની ચૂંટણી માટે આજે સવારે 8 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે. જે સાંજે 6 વાગ્યા સુધી ચાલશે. સવારે આરંભથી જ લોકોમાં મતદાન માટે ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. અનેક મતદાન કેન્દ્રો ખાતે મતદારોની લાંબી લાઈન જોવા મળી હતી. મતગણતરી અને પરિણામની જાહેરાત માટે 11 ફેબ્રુઆરીનો દિવસ નક્કી કરાયો છે.

મતદાન માટે 2688 મતદાન સ્થળો પર 13,750 મતદાન કેન્દ્રો બનાવવામાં આવ્યા છે. મતદાન માટે 20,385 ઈવીએમ મશીનોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

આ વખતની ચૂંટણી માટે 1 કરોડ 47 લાખ મતદારો નોંધાયા છે. આમાં 80,55,686 પુરુષ મતદારો છે અને 66,35,635 મહિલા મતદારો છે. 815 મતદારો તૃતિય પંથીનાં લોકો છે.

70 બેઠકોની વિધાનસભા ચૂંટણી માટે કુલ 672 ઉમેદવારો ચૂંટણીજંગમાં ઉતર્યાં છે.

ત્રણ મતવિસ્તારોમાં મતદાન કેન્દ્રો ખાતે બે ઈવીએમનો ઉપયોગ કરવામાં આવશે, કારણ કે ત્યાં 15થી વધારે ઉમેદવારો મેદાનમાં ઉતર્યાં છે.

દિલ્હીના મુખ્ય પ્રધાન અને આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ એમના પ્રધાનમંડળના સાથીઓ – નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદીયા, ગોપાલ રાય, સત્યેન્દ્ર જૈન, કૈલાશ ગેહલોત, ઈમરાન હુસૈન અને રાજેન્દ્ર પાલ ગૌતમની સાથે ચૂંટણીમાં ઉતર્યા છે. આ ઉપરાંત વિધાનસભાના સ્પીકર રામનિવાસ ગોયલ અને નાયબ સ્પીકર રાખી બિરલા પણ ચૂંટણી લડી રહ્યાં છે.

દિલ્હીમાં 2014ની ચૂંટણીમાં ઝળહળતો વિજય મેળવીને આમ આદમી પાર્ટીએ સત્તા મેળવી હતી અને કેજરીવાલ મુખ્ય પ્રધાન બન્યા હતા. હવે AAP ફરી જીત હાંસલ કરવા કૃતનિશ્ચયી છે અને કેજરીવાલ પોતાની સત્તા જાળવી રાખવાનો ભરોસો ધરાવે છે.

કોંગ્રેસનાં દિલ્હીના ભૂતપૂર્વ પ્રધાન ડો. એ.કે. વાલિયા, ડો. નરેન્દ્ર નાથ, અરવિંદર સિંહ લવલી, હારુન યુસુફ, ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન કૃષ્ણા તીરથ, ભૂતપૂર્વ સંસદસભ્ય પરવેઝ હાશમી, પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ સુભાષ ચોપરાનાં પુત્રી શિવાની ચોપરા, પ્રચાર સમિતિના વડા કીર્તિ આઝાદના પત્ની પૂનમ આઝાદ પણ ચૂંટણી લડી રહ્યાં છે.

ભારતીય જનતા પાર્ટી તરફથી વિધાનસભા પક્ષમાં વિપક્ષી નેતા વિજેન્દ્ર ગુપ્તા, રાષ્ટ્રીય સચિવ આર.પી. સિંહ, પ્રદેશ ઉપપ્રમુખ અને ભૂતપૂર્વ વિધાનસભ્ય મોહન સિંહ બિષ્ટ, પ્રદેશ મહામંત્રી રવિન્દ્ર ગુપ્તા, ભૂતપૂર્વ નાયબ મેયર સંજય ગોયલ, પ્રદેશ ભાજપ યુવા મોરચાના પ્રમુખ સુનીલ યાદવ ચૂંટણીજંગમાં ઉતર્યા છે.

સૌથી વહેલા જઈને મતદાન કરનાર મહાનુભાવોમાં વિદેશ પ્રધાન ડો. એસ. જયશંકરનો સમાવેશ થાય છે, જેમણે દિલ્હીના તુઘલક ક્રેસન્ટ વિસ્તારમાં જઈને મતદાન કર્યું હતું. મતદાન કર્યા બાદ એમણે લોકોને અપીલ કરતા કહ્યું હતું કે, દરેક નાગરિકની મૂળભૂત ફરજ છે કે પોતે મતદાન કરે.

મતદાનને ધ્યાનમાં રાખીને સમગ્ર દિલ્હીમાં સુરક્ષાનો અત્યંત કડક બંદોબસ્ત કરવામાં આવ્યો છે.

દિલ્હી પોલીસ ઉપરાંત 40 હજાર જેટલા સુરક્ષા જવાનો, હોમગાર્ડના 19 હજાર જવાનો અને સીઆરપીએફની 190 ટૂકડીઓને તહેનાત કરવામાં આવી છે.