મહારાષ્ટ્ર, ગુજરાતમાં આગામી 3-4 દિવસ ભારે-વરસાદની આગાહી

મુંબઈઃ બંગાળના અખાતમાં વાયવ્ય ખૂણે ગઈ કાલે સાંજથી ડીપ ડીપ્રેશન સર્જાયું છે અને તે એ તરફ આગળ વધી રહ્યું છે. એને કારણે મધ્ય ભારત તથા પશ્ચિમ ભારતના ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે, એવી આગાહી ભારતીય હવામાન વિભાગે કરી છે. બંગાળના અખાત પર સર્જાયેલું હવાનું નીચું દબાણ આગળ વધતું જશે એમ ડીપ્રેશનમાં પરિવર્તિત થશે એમ જણાવીને હવામાન વિભાગે ઓડિશાના 7 જિલ્લાઓ માટે રેડ એલર્ટ ઘોષિત કર્યું છે. તે ઉપરાંત છ જિલ્લા માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. 8 જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે એવી આગાહી સાથે યેલો એલર્ટ ઘોષિત કર્યું છે.

ઉત્તર મધ્ય મહારાષ્ટ્ર, ગુજરાત, પૂર્વ રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢમાં પણ આગામી દિવસોમાં ભારે વરસાદ પડી શકે છે. મહારાષ્ટ્રમાં, મુંબઈ, થાણે, પાલઘર, રાયગઢ, કોંકણ પટ્ટાવિસ્તારમાં ભારે વરસાદ પડી શકે છે. સેટેલાઈટ તરફથી પ્રાપ્ત તસવીરો અનુસાર,, ગુજરાત, રાજસ્થાન રાજ્યો ઉપરના આકાશમાં પણ ઘેરાં વાદળોની જમાવટ થયેલી દેખાય છે.