નવા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલનો આજે બપોરે શપથવિધિ

અમદાવાદઃ ગુજરાતમાં શાસક ભારતીય જનતા પાર્ટીએ ગઈ કાલે રાજ્યના મુખ્ય પ્રધાન પદેથી ઓચિંતું રાજીનામું આપનાર વિજય રૂપાણીના અનુગામી તરીકે અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારના વિધાનસભ્ય ભૂપેન્દ્ર પટેલની પસંદગી કરી છે. ભૂપેન્દ્રભાઈ બાદમાં આજે સાંજે રાજભવન ખાતે ગયા હતા અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને મળીને રાજ્યમાં પોતાના નેતૃત્ત્વમાં સરકાર રચવા માટેનો દાવો રજૂ કર્યો હતો. રાજ્યપાલે એમનો દાવો મંજૂર કર્યો હતો અને એમને આવતીકાલે બપોરે રાજભવનમાં શપથવિધિ માટે ઉપસ્થિત થવાનું આમંત્રણ આપ્યું છે. શપથવિધિ સમારોહ આવતીકાલે બપોરે 2.20 વાગ્યે યોજાશે. ભૂપેન્દ્ર પટેલે પત્રકાર પરિષદને સંબોધન પણ કર્યું હતું અને કહ્યું કે, અમે વિકાસના કામો કરીશું, ભારતીય જનતા પાર્ટી પ્રજા વચ્ચે જઈને કામ કરે છે.

અગાઉ બપોરે, પાટનગર ગાંધીનગરમાં ભાજપના મુખ્યાલય ‘કમલમ’ ખાતે કેન્દ્રીય નિરીક્ષકો – નરેન્દસિંહ તોમર અને પ્રહલા જોશીની ઉપસ્થિતિમાં મળેલી પક્ષની કોર-કમિટીની બેઠકમાં ઘણા મનોમંથન બાદ નવા મુખ્ય પ્રધાન તરીકે ભૂપેન્દ્ર પટેલના નામ પર કળશ ઢોળવામાં આવ્યો હતો. ત્યારબાદ ત્યાં જ યોજવામાં આવેલી પક્ષના વિધાનસભા પક્ષની બેઠકમાં વિદાય લેનાર મુખ્ય પ્રધાન રૂપાણીએ એમના અનુગામી તરીકે ભૂપેન્દ્ર પટેલના નામનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. પક્ષના વિધાનસભ્યોએ સર્વાનુમતે પટેલના નામને વધાવી લીધું હતું. મુખ્ય પ્રધાન પદની રેસમાં સી.આર. પાટીલ, નીતિન પટેલ, ગોરધન ઝડફિયા, મનસુખ માંડવીયા, પરસોત્તમ રૂપાલા, આર.સી. ફળદુ, પ્રફુલ કે. પટેલનું નામ પણ હતું. નવા મુખ્ય પ્રધાનની પસંદગીની પ્રક્રિયા માટે નિરીક્ષક તરીકે હાજર રહેવા માટે કેન્દ્રીય પ્રધાનો તોમર અને જોશી આજે સવારે જ અમદાવાદ આવી પહોંચ્યા હતા.

ગુજરાતના નવા, 17મા મુખ્ય પ્રધાન તરીકે ભૂપેન્દ્ર પટેલની પસંદગી કરાયા બાદ કેન્દ્રીય નિરીક્ષકોએ ભાજપની રાષ્ટ્રીય નેતાગીરીને જાણ કરી હતી. રૂપાણીના મુખ્ય પ્રધાન પદેથી રાજીનામા બાદ એમના પ્રધાનમંડળના તમામ સભ્યોએ પણ આજે રાજીનામું સુપરત કરી દીધું હતું. આમ, નવા મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ એમની નવી ટીમની રચના કરશે. 182-સભ્યોની ગુજરાત વિધાનસભાની નવી ચૂંટણી આવતા વર્ષના ડિસેમ્બરમાં નિર્ધારિત છે.