લાલ-કિલ્લાને ‘નેતાજી-કિલ્લા’ નામ આપોઃ ચંદ્રકુમાર બોઝની માગણી

કોલકાતાઃ સ્વાતંત્ર્ય સેનાની નેતાજી સુભાષચંદ્ર બોઝના ભત્રીજા-પુત્ર ચંદ્રકુમાર બોઝે ભારતીય જનતા પાર્ટી પ્રત્યે પોતાનો અસંતોષ વ્યક્ત કર્યો છે. એમનું કહેવું છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી નેતાજી સુભાષચંદ્ર બોઝના આદર્શોનું અનુસરણ કરે છે, પણ એમની પાર્ટી એમ કરવામાં નિષ્ફળ ગઈ છે. ફ્રી પ્રેસ જર્નલને આપેલી મુલાકાતમાં ચંદ્રકુમાર બોઝે જણાવ્યું છે કે અનેક પ્રયાસો કરવા છતાં પોતે મોદીને મળી શકતા નથી. મોદીની પરવાનગી વગર પોતે ભાજપ છોડવાનો નિર્ણય લેવા માગતા નથી.

ચંદ્રકુમાર બોઝે વિનંતી કરી છે કે દિલ્હીના વિખ્યાત લાલ કિલ્લાને ‘નેતાજી કિલ્લા’ તરીકે નવું નામ આપવું જોઈએ. મોદીએ આ નિર્ણયની જાહેરાત 21 ઓક્ટોબરે કરવી જોઈએ. એ દિવસે નેતાજી સુભાષચંદ્રએ ‘આઝાદ હિંદ સરકાર’ની રચના કરી હતી. મોદીએ આંદામાન ટાપુઓને નેતાજીનું નામ આપ્યું છે હવે રેડ ફોર્ટનું ‘નેતાજી ફોર્ટ’ તરીકે નામકરણ કરવું જોઈએ.