ઝાયડસ કેડિલાની કોવિડની રસીને મંજૂરી મળવામાં વિલંબ થશે

અમદાવાદઃ કોરોના વાઇરસ રોગચાળા વિરુદ્ધ રસીકરણને સૌથી મોટું હથિયાર ગણવામાં આવે છે, ત્યારે ઝાયડસ કેડિલાએ કોરાનાની રસીને 12થી વધુ ઉંમરના બાળકો માટે વિકસિત કરી છે. કંપનીને હજી થોડા દિવસોમાં ડ્રગ રેગ્યુલેટર ડ્રગ કન્ટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયાથા ઇમર્જન્સી ઉપયોગની મંજૂરી મળવાની સંભાવના છે. અધિકારીઓએ કહ્યું હતું કે રસીનું પરીક્ષણ વયસ્કોની સાથે-સાથે 12 વર્ષથી વધુનાં બાળકો પર કરવામાં આવ્યું હતું અને નિયામક સમિતિ સંતુષ્ટ થશે તો એના ઇમર્જન્સી ઉપયોગની મંજૂરી અપાય એવી શક્યતા છે.

નિયામકની સબ્જેક્ટ એક્સપર્ટ સમિતિ (SEC) કેડિલા દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડાની તપાસ કરશે. અધિકારીઓએ કહ્યું હતું કે જો મંજૂરી મળી જશે તો ઓગસ્ટ-સપ્ટેમ્બર સુધી રસીનો પુરવઠો શરૂ થવીની આશા છે. જોકે ઝાયડસ કેડિલાની રસી Zycov-d ને ઇમર્જન્સી ઉપયોગની મંજૂરી મળવામાં હજુ થોડા દિવસ લાગશે.  કંપની દ્વારા સુપરત કરવામાં આવેલી અરજીનું પ્રારંભિક મૂલ્યાંકન ચાલી રહ્યું છે અને અમે એને આગળના વિચાર માટે SECને મોકલી દીધી છે. આવનારા સપ્તાહમાં SECની બેઠક થશે, એમાં કંપનીના પ્રતિનિધિઓ રજૂઆત કરવા માટે કહેવામાં આવ્યું છે, એમ એક અધિકારીએ કહ્યું હતું.

આ પહેલાં રસીકરણ પરના નેશનલ ટેક્નિકલ એડવાઇઝરી ગ્રુપ (NTAGI)ના ચેરમેન ડો. એન. કે. અરોડાએ કહ્યું હતું કે 12-18 વર્ષની વયના વર્ગ માટે કંપનીની રસી સપ્ટેમ્બરના અંત સુધીમાં મળવાની આશા છે.

ગ્રુપના MD ડો. શર્વિલ પટેલે કહ્યું હતું કે કંપનીને નિયમકોની મંજૂરી મળ્યા પછી કંપની રસીનો સપ્લાય શરૂ કરશે. તેમણે કહ્યું હતું કે અમે પ્રતિ મહિને એક કરોડ ડોઝનું ઉત્પાદન કરીશું અને આવનારા સમયમાં રસીનું ઉત્પાદનમાં ઝડપ કરીશું.