અપ્રમાણસર આવક કેસ: DPIITના ભૂતપૂર્વ સેક્રેટરી રમેશ અભિષેકની લોકપાલ સમક્ષ કબૂલાત

મુંબઈઃ કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારનો આરોપ ધરાવતા ભૂતપૂર્વ આઇએએસ ઓફિસર રમેશ અભિષેકે લોકપાલને સુપરત કરેલા એફિડેવિટમાં કબૂલ્યું છે કે એમણે નિવૃત્તિ પછીના માત્ર પંદર મહિનામાં 2.7 કરોડ રૂપિયાની અપ્રમાણસરની આવક કરી છે. આ આવક કન્સલ્ટન્સી ફી તરીકે એમને મળી છે.

રમેશ અભિષેક છેલ્લે ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટર્નલ ટ્રેડ (ડીપીઆઇઆઇટી)ના સેક્રેટરી તરીકે નિવૃત્ત થયા હતા. નોંધનીય છે કે સરકારી અધિકારી તરીકે એમનો માસિક પગાર ફક્ત 2.26 લાખ રૂપિયા હતો, જ્યારે નિવૃત્તિ પછીની એમની અપ્રમાણસરની આવક નોકરીની આવકના 119 ગણા જેટલી છે.

અહીં જણાવવું રહ્યું કે રમેશ અભિષેક પોતાની આવકના જાણીતા સ્રોત કરતાં અનેક ગણી વધુ સંપત્તિ ધરાવે છે એ બાબતની ફરિયાદના આધારે લોકપાલે તપાસ કરવાનો તથા અહેવાલ સુપરત કરવાનો એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ને આદેશ આપ્યો છે.

ફરિયાદમાં દાવો કરવામાં આવ્યો છે કે અભિષેકે ડીપીઆઇઆઇટીના સેક્રેટરી તરીકે જે કંપનીઓની તરફેણ કરી હતી એવી 16 કંપનીઓ પાસેથી એમને નિવૃત્તિ પછી આવક પ્રાપ્ત થઈ છે. આ કંપનીઓ હવે એમને કન્સલ્ટન્સી ફી ચૂકવી રહી છે. આના પરથી સ્પષ્ટ થાય છે કે એમણે નોકરી દરમિયાન કરેલી તરફેણના બદલામાં એમને લાભ આપવામાં આવ્યા છે.

અત્રે એ પણ નોંધનીય છે કે લુલુ ઇન્ટરનેશનલ શોપિંગ મોલ પ્રા. લિ. અને પીએજીએસી 3 હોલ્ડિંગ 4 (એચકે) લિમિટેડનો ઉલ્લેખ પનામા પેપર્સમાં પણ થયેલો છે.

લોકપાલે ઈડીને આપેલા આદેશમાં કહ્યું છે કે ફરિયાદ બાબતે તપાસ કરવામાં આવે, કારણ કે રમેશ અભિષેક વિરુદ્ધ થયેલા આક્ષેપો અને એના સંજોગોને જોતાં આપણે મૂક પ્રેક્ષક બનીને જોતાં રહેવું જોઈએ નહીં, કારણ કે આક્ષેપો ભ્રષ્ટાચારને લગતા છે, જેની વિરુદ્ધ કડક કાર્યવાહી થવી જોઈએ. ફરિયાદીએ આપેલી વિગતોમાંથી અનેક વિગતો વિશે સરકારી સેવક (અભિષેક) પોતાના એફિડેવિટમાં કબૂલાત કરી ચૂક્યા છે. આથી આ ફરિયાદને લગતા તમામ દસ્તાવેજો ઈડીને આપવામાં આવ્યા છે.

લોકપાલે ઈડીને આપેલા આદેશમાં કહ્યું હતું કે નવી દિલ્હીના ગ્રેટર કૈલાસ -2માં આવેલા અભિષેકના ભવ્ય બંગલાના મૂલ્ય સહિતની બાબતો સંબંધે તપાસ કરવી અને એમને તથા એમના સંબંધીઓની આવક સંબંધે ક્યાંય હિતનો ટકરાવ થતો દેખાય તો એની પણ તપાસ કરવી. રમેશ અભિષેકે ગ્રેટર કૈલાસ -2 ખાતેના બંગલાનું રિડેવલપમેન્ટ કરાવ્યું એના ખર્ચ બાબતે સંબંધિત સત્તાવાળાઓને જાણ કરવાની જરૂર હતી કે નહીં અને જો જરૂર હતી તો જાણ કરવામાં આવી હતી કે નહીં એની પણ તપાસ ઈડીએ કરવી.

ફરિયાદમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે રમેશ અભિષેકે 2.67 કરોડ રૂપિયામાં ગ્રેટર કૈલાસના આ બંગલાની ખરીદી કરી છે, પરંતુ એનું વાસ્તવિક મૂલ્ય 8 કરોડ રૂપિયા છે. આમ, ઉપરની રકમ રોકડમાં ચૂકવાઈ હતી.

આ ભૂતપૂર્વ આઇએએસ ઓફિસરે સત્તાવાર હોદ્દાનો દુરુપયોગ કર્યો હોવાનું કહેતાં ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે એમણે ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ, મેક ઇન ઇન્ડિયા, વગેરેના નામે પોતાના પરિવાજનો મારફતે મની લોન્ડરિંગ કરાવ્યું હતું. એમના કહેવાથી જ એમનાં દીકરી વનીસા અગ્રવાલને અનેક કંપનીઓમાં કન્સલ્ટન્ટ નીમવામાં આવ્યાં હતાં, જેની એમને તગડી ફી ચૂકવાઈ હતી. આ જ દીકરી માટે એમણે તત્કાલીન સેબી ચેરમેન યુ. કે. સિંહાની વગથી સેબીમાં ખાસ ખાલી જગ્યા ઊભી કરાવીને એમાં નિમણૂક કરાવી હતી. આ રીતે એમણે પોતાના સરકારી હોદ્દાનો દુરુપયોગ કર્યો હતો.

ફરિયાદીએ એમ પણ કહ્યું છે કે ભૂતપૂર્વ નાણાપ્રધાન પી. ચિદમ્બરમ મની લોન્ડરિંગ કેસમાં એમના નિકટના સાગરિત હતા. આથી ચિદમ્બરમે એમને ફોરવર્ડ માર્કેટ્સ કમિશનમાં અધ્યક્ષપદે એમની નિમણૂક કરાવીને પછીથી એક્સટેન્શન પણ અપાવ્યું હતું.

રમેશ અભિષેક સપરિવાર વિદેશપ્રવાસે ગયા અને બિઝનેસ ક્લાસમાં પ્રવાસ કર્યો તથા ફાઇવ સ્ટાર હોટેલમાં રહ્યા અને ભવ્ય પાર્ટીઓ કરાવી એ બાબતે પણ શંકા પ્રવર્તે છે. ખરી રીતે તો આઇએએસ અધિકારીઓના પ્રવાસની વિગતોની નોંધ થતી હોય છે અને જાહેર જનતા એ જોઈ શકે છે, પરંતુ અભિષેકની બાબતે એ વિગતોની નોંધ થઈ હોય તોપણ હાલ એ ઉપલબ્ધ નથી.

સરકારી નોકર હોવા છતાં એમણે પોતાનાં દીકરી વનીસા અગ્રવાલને બિઝનેસ ક્લાયન્ટ્સ અપાવ્યા અને એમનો પ્રચાર કર્યો. આ રીતે એમણે નિયમોનો ભંગ કર્યો. એમણે સ્ટાર્ટ અપ ઇન્ડિયા અને મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટ્સનું નેતૃત્વ કર્યું અને એ કામ દરમિયાન ઇન્ડિયન એન્જલ નેટવર્ક, સ્ટાર્ટઅપ ઇન્ડિયા, ઇન્વેસ્ટ ઇન્ડિયા, ફંડ્સ ઓફ ફંડ્સ, આઇએએન ફંડ તથા અન્ય અનેક ફંડ્સ સાથે ઘરોબો કેળવ્યો. રમેશ અભિષેક ઇન્ડિયન એન્જલ નેટવર્કને મળવું જોઈએ એના કરતાં વધુ મહત્ત્વ આપે છે. એમણે આ નેટવર્કના પ્રતિનિધિઓને જાહેર મંચ, ડિનર તથા ગેધરિંગ્સમાં વિવિધ ચર્ચાઓ માટે નિમંત્રણ આપ્યું છે. આ પ્રતિનિધિઓને વિવિધ સમિતિમાં સમાવી લેવાનું કામ પણ એમણે કર્યું છે. એના બદલામાં ઇન્ડિયન એન્જલ નેટવર્કે એમનાં દીકરીના નામે કાનૂની કન્સલ્ટન્સી બદલની ફી લાંચ તરીકે ચૂકવી છે.

આ સરકારી અધિકારીએ જયપુરમાં પોતાનાં દીકરીનો ત્રણ દિવસનો ખર્ચાળ લગ્ન સમારંભ રાખ્યો હતો, જેમાં કોમોડિટી બ્રોકર્સ, ટ્રેડર્સ, પાવર બ્રોકર્સ અને બિઝનેસમેનને નિમંત્રિત કરાયા હતા. મહેમાનોના રોકાવા માટે ત્રણ મોટી હોટેલો બુક કરવામાં આવી હતી, જેનો ખર્ચ એમની સરકારી આવકમાંથી ચૂકવી શકાય એના કરતાં ઘણો વધારે હતો.

આ સાથે જણાવવું રહ્યું કે લોકપાલે કાયદા અનુસાર કાર્યવાહી કરવાનો ઈડીને દેશ આપ્યો એની સાથે સાથે સ્પેશિયલ એમપીઆઇડી કોર્ટે પણ મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખાને આદેશ આપ્યો છે કે એનએસઈએલ કેસમાં અભિષેકની સંડોવણી વિશે તપાસ કરે.

રમેશ અભિષેક વિરુદ્ધની અલગથી કરાયેલી ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે એનએસઈએલ કેસમાં બ્રોકરોએ અનેક ગેરરીતિઓ આચરી હોવા છતાં અભિષેકે એમનો બચાવ કર્યો છે. આ સરકારી અધિકારીએ ડિપાર્ટમેન્ટ ઓફ કન્ઝ્યુમર અફેર્સને કરેલી ખોટી ભલામણને પગલે એનએસઈએલ એક્સચેન્જ અચાનક બંધ કરી દેવાયું, જેને લીધે પેમેન્ટ કટોકટી સર્જાઈ. બ્રોકરોએ ગેરરીતિઓ કરી હતી એવું આર્થિક ગુના શાખાની તપાસમાં બહાર આવ્યું હોવા છતાં એ બાબતે દુર્લક્ષ કરાયું હતું. અભિષેકે બ્રોકરો પર તવાઈ આવે નહીં એ માટે બે ખાનગી કંપનીઓનું પરાણે મર્જર કરાવવાની ભલામણ પણ કરી હતી.