ચક્રવાતી વાવાઝોડું ‘ફોની’ વધારે શક્તિશાળી બન્યું; નૌકાદળ સતર્ક, 103 ટ્રેન રદ

ભૂવનેશ્વર – બંગાળના અખાત પરના આકાશમાં આકાર લેનાર ચક્રવાતી વાવાઝોડું ફોની વધારે શક્તિશાળી બન્યું છે. હિંદ મહાસાગરમાં એપ્રિલ મહિનામાં વાવાઝોડું આટલું બધું ઉગ્ર સ્વરૂપ ધારણ કરે એ 1976 બાદ પહેલી વાર બન્યું છે. ફોની વાવાઝોડું વધારે જોર પ્રાપ્ત કરતું જાય છે અને ઓડિશાના સમુદ્ર કાંઠાની એકદમ નજીક પહોંચી ગયું છે.

હાલ આ વાવાઝોડું ઓડિશાનાં યાત્રાધામ પુરી શહેરથી 430 કિ.મી. દૂર સમુદ્ર પરના આકાશમાં સ્થિર થયું છે. જ્યારે આંધ્ર પ્રદેશના વિશાખાપટનમથી 225 કિ.મી. દૂર છે. ફોની પ્રતિ કલાક 7 કિ.મી.ની ઝડપે આગળ વધી રહ્યું છે. એ શુક્રવાર, 3 મેએ બપોરે પવનની જોરદાર ગતિ સાથે ઓડિશાનાં કાંઠા પર ત્રાટકે એવી સંભાવના છે. એ વખતે પવનની ગતિ પ્રતિ કલાક 170 કિ.મી.થી 180 કિ.મી.ની હશે અને તે 200 કિ.મી. સુધી પહોંચે એવી સંભાવના છે.

ભારતીય હવામાન વિભાગે ઓડિશાનાં 17 જિલ્લાઓ માટે રેડ વોર્નિંગ ઈસ્યૂ કરી છે. 3 અને 4 મે ના દિવસો માટે રેડ ચેતવણી જાહેર કરવામાં આવી છે. આ જિલ્લાઓ છે – ગજપતિ, ગંજમ, પુરી, ખુરદા, નયાગઢ, કટક, જગતસિંહપુર, જાજપુર, ભાદરક, કેન્દ્રાપાડા, બાલાસોર, કાંધમલ, રાયગડા, આંગુલ, ધેનકાનલ, કીઓન્જાર, મયૂરભંજ.

સાત જિલ્લાઓ માટે 2 અને 3 મે દિવસો માટે ઓરેન્જ વોર્નિંગ જાહેર કરાઈ છે જ્યારે 3-4 મે માટે 4 જિલ્લાઓ માટે યેલો વોર્નિંગ જાહેર કરાઈ છે.

વાવાઝોડા ફોનીનો સામનો કરવા માટે સંરક્ષણ દળો, ખાસ કરીને ભારતીય નૌકાદળ એકદમ સતર્ક થઈ ગયું છે. ભારતીય નૌકાદળે વિશાખાપટનમ અને ચેન્નાઈ ખાતેનાં તેનાં જહાજોને સંભવિત વાવાઝોડાગ્રસ્ત વિસ્તારોમાં બચાવ કામગીરી બજાવવા તેમજ તબીબી સહાયતા પૂરી પાડવા માટે આગળ વધવા માટે સજ્જ છે.

આ જહાજોમાં નિષ્ણાત ડૂબકીમારો, ડોક્ટરો, ઈનફ્લેટેબલ રબર હોડીઓ, તેમજ ખાદ્યપદાર્થોનાં પેકેટ્સ, તંબૂઓની સામગ્રી, કપડાં, દવાઓ, બ્લેન્કેટ્સ જેવી રાહત સામગ્રી છે.

વાવાઝોડા ફોનીનાં ભય અને અસરને ધ્યાનમાં લઈને ઈસ્ટ-કોસ્ટ રેલવે વહીવટીતંત્રએ 103 ટ્રેનો રદ કરી દીધી છે. સંભવિત અસરગ્રસ્ત જિલ્લાઓમાંથી 8 લાખથી વધારે લોકોનું સુરક્ષિત સ્થળોએ સ્થળાંતર કરી દેવામાં આવ્યું છે.

‘ફોની’નો અર્થ શું થાય?

ઉત્તર હિંદ મહાસાગરમાં આકાર લઈ રહેલા નવા વાવાઝોડાનું નામ ‘ફોની’ રાખવામાં આવ્યું છે. જે વિસ્તારમાં વાવાઝોડાનું જોખમ પેદા થાય ત્યાંનો હવામાન વિભાગ એનું નામ રાખે છે. આ વખતે બાંગ્લાદેશે નામ રાખ્યું છે.

બાંગ્લાદેશમાં ‘ફોની’નો અર્થ સાપ (સર્પ) થાય છે.

વાવાઝોડાઓનો રેકોર્ડ આસાનીથી રાખી શકાય એટલા માટે એમના નામ રાખવાની પ્રથા શરૂ કરવામાં આવી છે. 1953ની સાલથી મોટા વાવાઝોડાઓનાં નામ રાખવાની શરૂઆત કરવામાં આવી હતી. એની શરૂઆત વિશ્વ હવામાન વિજ્ઞાન સંસ્થાએ કરી હતી.