કોંગ્રેસ સત્તા પર આવશે તો સરકારી નોકરીઓ માટે પરીક્ષા ફી લેવાનું બંધ કરશેઃ રાહુલ

સીતાપુર (ઉત્તર પ્રદેશ) – કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ આજે કહ્યું છે કે એમની પાર્ટીએ નક્કી કર્યું છે કે જો તે લોકસભા ચૂંટણી જીતીને સત્તા પર આવશે તો સરકારી નોકરીઓની પરીક્ષાઓ માટે લેવાતી ફી રદ કરશે.

અહીં ચૂંટણી રેલીને સંબોધિત કરતાં રાહુલે કહ્યું કે દેશના યુવાઓને કોઈ પણ સરકારી નોકરી માટેની પરીક્ષા આપવા માટે એપ્લિકેશન ફી ચૂકવવી પડે છે. અમે નક્કી કર્યું છે કે જો અમે સત્તા પર આવીશું તો સરકારી હોદ્દાઓ માટેની પરીક્ષા આપવા માટેની અરજી ફી લેવાનું બંધ કરી દઈશું, કોઈએ એવી ફી ચૂકવવાની નહીં રહે.

રાહુલે કહ્યું કે ભાજપની આગેવાની હેઠળની સરકારના શાસનમાં ઈંધણના ભાવ વધી ગયા છે. પેટ્રોલના ભાવ વધી ગયા છે. યુપીએ સરકાર વખતે કાચા તેલની કિંમત પ્રતિ બેરલ 140 ડોલર હતી, જ્યારે અત્યારે 70 ડોલર છે. ચોકીદારે કહ્યું હતું કે એ મોંઘવારીને ઘટાડી દેશે. અમુક 15 જણને જ લાભ મળી રહ્યો છે. જ્યારે સામાન્ય લોકોનાં ખિસ્સા પર બોજો નાખવામાં આવ્યો છે.

રાહુલ ગાંધીએ એમની પાર્ટીએ ચૂંટણીઢંઢેરામાં આપેલા વચન અનુસારની લઘુત્તમ આવક ગારન્ટી યોજના એટલે કે ન્યૂનતમ આય યોજના (NYAY) વિશે એમણે કહ્યું કે NYAY અંતર્ગત મળેલી રકમ જેવી પાંચ કરોડ જેટલા લોકોનાં બેન્ક એકાઉન્ટમાં જમા થશે કે 25 કરોડ લોકો કપડાં, પગરખાં, મોબાઈલ વગેરે જેવી ચીજવસ્તુઓ ખરીદવાનું શરૂ કરશે. દુકાનો ફરીથી ચીજવસ્તુઓ વેચતી થશે. ફેક્ટરીઓમાં માગ વધશે. સીતાપુર જેવા ગામનાં લોકોને રોજગાર મળશે.

રાહુલે કહ્યું કે NYAY યોજના ભારતીય અર્થતંત્રનાં એન્જિનમાં ઈંધણ પૂરું પાડવાનું કામ કરશે. અમે લોકને ન્યાય આપીશું.