જોધપુરઃ આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી સાથે ભારતીય સેનાના ઉપક્રમે અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તે અંતર્ગત કોણાર્ક સેપર્સ સંસ્થા દ્વારા આયોજિત એક સાઈકલ યાત્રાને જોધપુર સ્થિત કોણાર્ક કોર્પ્સના ચીફ ઓફ સ્ટાફ મેજર જનરલ પી.એસ. ચઢ્ઢાએ લીલી ઝંડી બતાવીને આરંભ કરાવ્યો હતો.
આ સાઈકલ યાત્રામાં સામેલ થયેલાઓ રાજસ્થાનના ખેતોલાઈ માર્ગે 28 માર્ચે જોધપુર મિલિટરી મથકે પહોંચશે. આ સાઈકલયાત્રામાં 19 જવાન સામેલ થયા છે. તેઓ 15 દિવસ દરમિયાન પશ્ચિમી રાજસ્થાનના કઠિન એવા રણવિસ્તારમાંથી પસાર થશે અને કુલ 1,100 કિલોમીટરનું અંતર કાપશે.
આ સાઈકલયાત્રા 42 ગામોમાંથી પસાર થશે. આ યાત્રાનો ઉદ્દેશ્ય બાળકો, યુવાઓ, ભૂતપૂર્વ લશ્કરી જવાનો અને વીરનારીઓ સાથે મુલાકાત કરી એમની સાથે સંવાદ સાધવાનો છે.
સાઈકલયાત્રામાં સામેલ થયેલા જવાનો ગામડાઓમાં વસતા વિદ્યાર્થીઓ અને યુવાઓને સશસ્ત્ર દળોમાં સામેલ થઈ કારકિર્દી બનાવવા માટે પ્રોત્સાહિત કરશે અને એમને ભારતીય સેનામાં જોડાવા માટેની અનેક એન્ટ્રી યોજનાઓથી વાકેફ કરશે.
ભૂતપૂર્વ લશ્કરી જવાનોને હકદાર પત્રિકાઓનું વિતરણ કરશે અને વીરનારીઓ તથા વીરમાતાઓ પ્રતિ એમણે આપેલા બલિદાન બદલ કૃતજ્ઞતા વ્યક્ત કરશે.