મેડિકલ ક્લેમ માટે દર્દીએ 24-કલાક હોસ્પિટલ રહેવું જરૂરી નહીં: કોર્ટ

નવી દિલ્હીઃ મેડિકલ ઇન્શ્યોરન્સ ક્લેમને લઈને વડોદરાની કન્ઝ્યુમર ફોરમ કોર્ટે કહ્યું હતું કે ક્લેમ માટે કોઈ પણ વ્યક્તિએ હોસ્પિટલમાં 24 કલાક દાખલ થવું જરૂરી નથી. કોર્ટે કહ્યું હતું કે હવે સમય બદલાઈ ચૂક્યો છે. નવી ટેક્નિકમાં દર્દીઓને વધુ સમય સુધી હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર નથી. વડોદરાની કન્ઝ્યુમર ફોરમે એક આદેશમાં વીમા કંપનીને વીમાની રકમની ચુકવણી કરવાનો આદેશ આપ્યો હતો.

શું છે મામલો?

ઉપભોક્તા ફોરમે વડોદરાના ગોત્રી રોડનિવાસી રમેશચંદ્ર જોશીની અરજી પર એ ચુકાદો આપ્યો હતો. રમેશ જોશીએ 2017માં નેશનલ ઇન્શ્યોરન્સ કંપની લિ.ની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે કંપનીએ તેમનો વીમાનો ક્લેમ આપવાથી ઇનકાર કરી દીધો હતો. જોશીનાં પત્ની 2016માં ડર્મેટોમાયોસિટિસથી પીડિત હતાં અને તેમને અમદાવાદની લાઇફકેર ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. એક દિવસ પછી સારવાર પછી તેમને રજા આપવામાં આવી હતી.

જોશીએ વીમા પાસે રૂ. 44,468નો દાવો કર્યો હતો. વીમા કંપનીએ તેમનો ક્લેમ ફગાવી દેતાં તર્ક આપ્યો હતો કે પોલિસી નિયમ મુજબ તેમને 24 કલાક સુધી દાખલ નહોતાં કરવામાં આવ્યાં. જોશીએ ઉપભોક્તા ફોરમમાં બધા પેપર રજૂ કર્યા હતા અને કહ્યું હતું કે તેમનાં પત્ની 24 નવેમ્બર, 2016એ સાંજે 5.38 કલાકે દાખલ કરવામાં આવ્યાં હતાં અને 25 નવેમ્બર, 2016એ સાંજે 6.30 કલાકે રજા આપવામાં આવી હતી, જે 24 કલાકથી વધુ હતી. જોકે કંપનીએ તેમના ક્લેમની ચુકવણી નહોતી કરી.

ફોરમે કહ્યું હતું કે એવું માની પણ લેવામાં આવે કે દર્દીને 24 કલાકથી ઓછા સમય માટે દાખલ કરવામાં આવ્યાં હતાં, તો પણ તેના ક્લેમની ચુકવણી કરવામાં આવવી જોઈએ.