સીઆરપીએફને મળી 21 ‘રક્ષિતા’ બાઈક એમ્બ્યુલન્સ

નવી દિલ્હીઃ દેશમાં માઓવાદી-નક્સલવાદી હિંસાગ્રસ્ત રાજ્યોમાં કે બળવાખોરીગ્રસ્ત ઈશાન ભારતના રાજ્યોમાં ફરજ બજાવતી વખતે ઘાયલ થતા સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ)ના જવાનોના જાન બચાવવા માટે દેશી ટેક્નોલોજીના ઉપયોગ સાથે 21 વિશેષ મોટરબાઈક ‘રક્ષિતા’ પૂરી પાડવામાં આવી છે. આ બાઈક એમ્બ્યુલન્સ તરીકે ઉપયોગમાં લઈ શકાશે. આ ‘રક્ષિતા’ બાઈક એમ્બ્યુલન્સ પર ઘાયલ જવાનને બેસાડીને તત્કાળ નજીકના દવાખાના કે હોસ્પિટલમાં લઈ જઈ શકાશે જેથી એમના જાન બચાવી શકાશે.

‘રક્ષિતા’ રોયલ એન્ફિલ્ડ ક્લાસિક 350 સીસી બાઈક પર બનાવવામાં આવી છે. આને સીઆરપીએફ અને ડીફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન સંસ્થાના ન્યૂક્લિયર મેડિસીન એન્ડ એલાઈડ સાયન્સીસ વિભાગ દ્વારા સહયોગ કરીને બનાવવામાં આવી છે. 21 ‘રક્ષિતા’ બાઈક એમ્બ્યુલન્સને આજે અહીં સીઆરપીએફના મુખ્યાલય ખાતે જાહેર કરવામાં આવી હતી અને એ પ્રસંગે સીઆરપીએફના ડાયરેક્ટર જનરલ એ.પી. મહેશ્વરી અને DS & DG (LS), DRDO એ.કે. સિંહ હાજર રહ્યા હતા.