નવી દિલ્હીઃ પડોશના ચીનમાં કોરોનાવાઈરસ મહાબીમારીનો ઓચિંતો નવેસરથી ફેલાવો થતાં ભારતમાં પણ આ રોગચાળાની નવી લહેર ફેલાવાનો ભય ઊભો થોય છે. કેન્દ્ર સરકાર ચેપી બીમારીનો ફેલાવો રોકવા બધી રીતે સજ્જ થઈ રહી છે અને કડક માર્ગદર્શિકા અને સલાહ-સૂચનો બહાર પાડી રહી છે.
કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડો. મનસુખ માંડવિયાએ ગઈ કાલે ઈન્ડિયન મેડિકલ એસોસિએશનના ડોક્ટરો અને નિષ્ણાતો સાથે બેઠક યોજી હતી જેમાં તેમણે એ મુદ્દે વિસ્તૃત રીતે ચર્ચા કરી હતી કે કોરોના રોગ જો ભારતમાં ફરીથી પ્રવેશ કરે તો એના ફેલાવાનો સામનો કેવી રીતે કરવો. તે બેઠકમાં જાહેર આરોગ્ય વિભાગના ટોચના અધિકારીઓ તેમજ અગ્રગણ્ય ડોક્ટરો પણ ઉપસ્થિત રહ્યાં હતાં. બેઠકમાં ડો. માંડવિયાને એવી વિનંતી કરવામાં આવી હતી કે સરકાર દેશભરમાં આરોગ્ય તંત્રને કોવિડ-19 રસીનો બીજો બૂસ્ટર ડોઝ આપવાની મંજૂરી આપે, જેથી દેશમાં રોગચાળાની નવી પરિસ્થિતિને રોકી શકાય.
ડોક્ટરોએ કહ્યું કે, કોરોના-પ્રતિરોધક રસીનો બૂસ્ટર ડોઝ આપવાની શરૂઆત કર્યાને એક વર્ષ વીતી ગયું છે. આટલા મોટા સમયગાળામાં રોગપ્રતિકારક શક્તિની અસર સમાપ્ત થઈ જાય. તેથી લોકોને, ખાસ કરીને દર્દીઓની સારવાર કરતા હોવાથી જેમની પર ચેપનું વધારે જોખમ રહેતું હોય છે તેવા ડોક્ટરો, નર્સો, અન્ય આરોગ્યકર્મીઓ, ફ્રન્ટલાઈન કર્મચારીઓને ચોથો પ્રીકોશનરી (બૂસ્ટર) ડોઝ આપવો જોઈએ.