નવી દિલ્હીઃ ભારત સરકારની સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કન્ટ્રોલ ઓર્ગેનાઈઝેશન (CDSCO) સંસ્થાની નિષ્ણાત સમિતિએ બ્રિટનસ્થિત ઓક્સફર્ડ-એસ્ટ્રાઝેનેકાએ બનાવેલી કોરોના રસી – ‘કોવિશીલ્ડ’ને ભારતમાં તાકીદના ઉપયોગની મંજૂરી (EUA) આપી નથી.
એટલું જ નહીં, નિષ્ણાત સમિતિએ ફાઈઝર અને ભારત બાયોએનટેક પ્રા.લિ. કંપનીઓએ પણ એમની કોરોના રસીઓનો ભારતમાં ઉપયોગ કરવા માટે કરેલી EUA વિનંતી ઉપર વિચારણા કરવાનો પણ ઈનકાર કરી દીધો છે. આ માટે સમિતિએ એમ કહ્યું છે કે આ તમામ કંપનીઓએ બનાવેલી રસીઓ વિશે વધારે ડેટા મળવી જરૂરી છે તેથી એમને સત્તા આપવામાં આવી નથી. નિષ્ણાત સમિતિ હવે 1 જાન્યુઆરીએ આ મુદ્દે ચર્ચા કરવા ફરી બેઠક યોજવાની છે. પુણેસ્થિત સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાએ જેની સાથે ભાગીદારી કરી છે તે ઓક્સફર્ડ-એસ્ટ્રાઝેનેકાની ‘કોવિશીલ્ડ’ રસીનો ભારતમાં ઉપયોગ કરવા દેવા માટે અરજી નોંધાવી હતી. ભારત બાયોએનટેકે એની ‘કોવેક્સિન’ રસીનો ઉપયોગ કરવા દેવા માટે મંજૂરી માગી છે. આ રસી ભારતની દેશી રીતે તૈયાર કરાયેલી રસી છે.