ખેડૂતો-સરકાર વચ્ચેની મંત્રણાનો છઠ્ઠો રાઉન્ડ પણ પરિણામવિહોણો

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારના 3 પ્રધાનો – નરેન્દ્ર સિંહ તોમર (કૃષિ), પીયૂષ ગોયલ (રેલવે, વાણિજ્ય, અન્ન) તથા સોમ પ્રકાશ (વાણિજ્ય રાજ્યપ્રધાન) અને આંદોલનકારી ખેડૂતોના આગેવાનો વચ્ચે આજે મંત્રણાનો છઠ્ઠો દોર યોજાયો હતો, પણ એ કોઈ પરિણામ આવ્યા વગર પૂરો થઈ ગયો છે. બંને પક્ષ હવે ચોથી જાન્યુઆરીએ ફરી ચર્ચા માટે ભેગા થશે. કેન્દ્ર સરકારે લાગુ કરેલા ત્રણ કૃષિ કાયદા સામે ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. આજે એમના આંદોલનનો 34મો દિવસ છે. એમની માગણી છે કે સરકાર ત્રણેય કાયદા રદ કરે. આજની ચર્ચામાં પણ ત્રણેય કાયદા પાછા ખેંચવાની ખેડૂતોની મુખ્ય માગણી પર સરકાર સહમત થઈ નથી.

કેન્દ્રીય કૃષિ પ્રધાન નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું કે આજની ચર્ચામાં ખેડૂતોની ચારમાંથી બે માગણી પર અમારી વચ્ચે સહમતી સધાઈ છે. સરકારે ખેડૂત આગેવાનોને કહ્યું છે કે ઠંડી વધી ગઈ છે એટલે તેઓ મોટી ઉંમરના, મહિલાઓ તથા બાળકોને ઘેર પાછા મોકલી દે. વીજળીના બિલ અને એર ક્વાલિટી મેનેજમેન્ટ વટહૂકમ મુદ્દાઓ પર બંને પક્ષ વચ્ચે સહમતી સધાઈ છે. હવે બાકી રહેલા બે મુદ્દા પર 4 જાન્યુઆરીએ ચર્ચા થશે – ત્રણ કૃષિ કાયદા અને MSP (લઘુત્તમ ટેકાના ભાવ)ની ગેરન્ટી.