કોર્ટે CM સિદ્ધારમૈયા સામે FIR નોંધવા આપ્યો આદેશ

બેંગલુરુઃ કર્ણાટકના CM સિદ્ધારમૈયાની મુશ્કેલીઓમાં વધારો થયો છે. જન પ્રતિનિધિ કોર્ટે CM સિદ્ધારમૈયાની વિરુદ્ધ FIR નોંધવાનો આદેશ આપ્યો છે. કોર્ટે કહ્યું હતું કે મૈસુર લોકાયુક્ત પોલીસ મામલાની તપાસ કરે અને ત્રણ મહિનામાં તપાસ રિપોર્ટ સોંપવા નિર્દેશ આપવામાં આવ્યો છે.

જજ સંતોષ ગજાનન ભટએ કહ્યું હતું કે હાઇકોર્ટે પણ ચુકાદામાં CM સિદ્ધારમૈયાની વિરુદ્ધ તપાસ કરવાની વાત કહી છે. એ સ્પષ્ટ છે કે દેવરાજ નામના જે વ્યક્તિ પાસેથી ખરીદી ગઈ છે, એ જમીનનો અસલી માલિક નથી. MUDA કેસમાં 24 સપ્ટેમ્બરે સિદ્ધારમૈયાની અરજી હાઇ કોર્ટે ફગાવી દીધી હતી. હાઇ કોર્ટે કહ્યું હતું કે જમીન કૌભાંડમાં સિદ્ધારમૈયા પર કેસ ચાલશે. કર્ણાટક હાઇકોર્ટે રાજ્યપાલના આદેશને પડકારતી CM સિદ્ધારમૈયાની અરજી પર ચુકાદો આપ્યો હતો. મૈસુર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીની ફાળવણી મામલે CM સિદ્ધારમૈયાની વિરુદ્ધ તપાસ માટે રાજ્યપાલ થાવરચંદ ગહેલોતે મંજૂરી આપી હતી. રાજ્યપાલની આ મંજૂરી મળ્યા પછી હાઇ કોર્ટમાં સિદ્ધારમૈયા તરફથી અરજી દાખલ કરવામાં આવી હતી.

બીજા પક્ષના વકીલનું કહેવું હતું કે જો લોકાયુક્તની કાર્યવાહીથી તેઓ સંતુષ્ટ ના થયા તો CBI તપાસની માગ કરી શકે છે, જ્યારે CMની આશા ખંડપીઠ પર ચોંટેલી છે. CM કેમ્પે એ સ્પષ્ટ કર્યું છે કે જો ડબલ બેન્ચથી પણ રાહત ના મળી તો સુપ્રીમ કોર્ટનો દ્વાર ખટખટાવવામાં આવશે અને ત્યાં સુધી સિદ્ધારમૈયા રાજીનામું આપવાના મૂડમાં નથી.