નવી દિલ્હીઃ ભેળસેળયુક્ત ઘી પછી મિલાવટી દવાઓના રિપોર્ટમાં માલૂમ પડ્યું છે કે દેશમાં 53 દવાઓમાં ભેળસેળ માલૂમ પડી હતી. આ દવાઓમાં તાવ, એસિડિટી, બ્લડપ્રેશર અને ડાયાબિટીસની દવાઓ પણ સામેલ છે. આ દવાઓ બનાવતી કંપનીઓમાં મોટી-મોટી બ્રાન્ડેડ કંપનીઓ પણ સામેલ છે.
આ ફાર્મા કંપનીઓ કોંગ્રેસ, ભાજપ સહિત રાજકીય પાર્ટીઓને ચૂંટણી બોન્ડ દ્વારા ફંડ આપે છે તો પછી આ કંપનીઓ સામે સરકાર પગલાં લેશે એવી આશા ઠગારી છે.
આ ભેળસેળવાળી દવાઓની કંપનીઓમાં ટોરન્ટ ફાર્મા પણ જેની બે દવાઓ ક્વોલિટી ટેસ્ટમાં ખરાબ નીકળી છે. આમાં Shelcal અને Montair LC દવા સામેલ છે. આ ફાર્મા કંપનીએ કુલ 77.50 કરોડનાં ચૂંટણી બોન્ડ ખરીદ્યા છે, જેમાં કંપનીએ ભાજપને રૂ. 61 કરોડ, કોંગ્રેસને રૂ. પાંચ કરોડ, SPને રૂ. ત્રણ કરોડ અને આપ પાર્ટીનાં ચૂંટણી બોન્ડ ખરીદ્યાં છે.
આવી જ રીતે બીજી ફાર્મા કંપની છે એલ્કેમ હેલ્થ સાયન્સ અને એ કંપની PAN-D દવા બનાવે છે, જેણે ભાજપને રૂ. 15 કરોડનાં ચૂંટણી બોન્ડ આપ્યા છે. આ જ રીતે ત્રીજી ફાર્મા કંપની હેટરો લેબ લિ. છે. આ કંપનીએ તેલંગાણામાં રૂ. 25 કરોડના ચૂંટણી બોન્ડ BRS પાસેથી ખરીદ્યાં છે અને રૂ. પાંચ કરોડના ચૂંટણી બોન્ડ ભાજપ પાસેથી ખરીદ્યાં છે.
હવે જે ફાર્મા કંપનીઓની દવાઓમાં ભેળસેળ છે, એ કંપનીઓએ મોટી-મોટી પાર્ટીઓને ચૂંટણી બોન્ડ ખરીદીને ફંડ આપ્યાં છે, એમની સામે કાર્યવાહી થવાની શક્યતા નહીંવત્ છે. જોકે આ કંપનીઓએ કહ્યું હતું કે આ ભેળસેળયુક્ત દવાઓ પકડાઈ છે, એ દવાઓ નકલી છે. આમ ચલક ચલાણું પેલે ઘેર ભાણું જેવો ઘાટ છે.