ચંડીગઢઃ ભ્રષ્ટાચારના આરોપને પગલે આજે સવારે બરતરફ કરવામાં આવેલા પંજાબના આરોગ્ય પ્રધાન વિજય સિંઘલાને મોહાલી શહેરની અદાલતે સાંજે 27 મે સુધી પોલીસ રીમાન્ડ પર મોકલી દીધા હતા. પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માને સવારે સિંઘલાને બરતરફ કર્યા બાદ તરત જ પોલીસે સિંઘલાની ધરપકડ કરી હતી. માને કહ્યું કે, એમની સરકાર ભ્રષ્ટાચારને જરાય સાંખી નહીં લે.
આમ આદમી પાર્ટીએ પંજાબમાં વિધાનસભા ચૂંટણી જીત્યાને અને તેના નેતા માન તથા એમના પ્રધાનમંડળે શપથ ગ્રહણ કર્યાને હજી માંડ બે જ મહિના થયા છે. માને કહ્યું કે સિંઘલા એમના મંત્રાલય-વિભાગ દ્વારા ટેન્ડર મંજૂરી અને ખરીદીઓના સોદામાં એક ટકો કમિશન માગતા હતા એવી એમને ખબર પડ્યા બાદ એમને પ્રધાનમંડળમાંથી બરતરફ કરવાનો અને એમની સામે કેસ નોંધવાનો પોલીસને આદેશ આપવાનો નિર્ણય લીધો હતો.
સૂત્રોના જણાવ્યા મુજબ, સિંઘલા ભ્રષ્ટાચાર કરતા હોવાની ફરિયાદ એક અધિકારીએ માનને 10 દિવસ પહેલાં કરી હતી. માને તે અધિકારીને ખાતરી આપી હતી કે પોતે પગલાં ભરશે. તે અધિકારીની મદદથી માને ઓપરેશન હાથ ધર્યું હતું એમાં તેમને માલૂમ પડ્યું હતું કે સિંઘલા અને એમના સહયોગીઓ એક ટકો કમિશન માગતા હતા. એવું જાણવા મળ્યું છે કે એક કથિત ઓડિયો રેકોર્ડિંગને કારણે પણ સિંઘલા કસુરવાર જણાયા છે.
52-વર્ષીય સિંઘલા ડેન્ટલ સર્જન છે. એ માનસા બેઠક પરથી વિધાનસભામાં ચૂંટાઈ આવ્યા છે. એમણે પંજાબના ગાયક અને કોંગ્રેસના ઉમેદવાર શુભદીપસિંહ સિધુને પરાજય આપ્યો હતો.
આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે સિંઘલાને બરતરફ કરવાના નિર્ણય બદલ માનની પ્રશંસા કરી છે. 2015માં મેં પણ દિલ્હીમાં અમારી સરકાર રચાયા બાદ અમારા અન્ન પ્રધાન સામે આવો જ કડક નિર્ણય લીધો હતો.