એક્સાઇઝ ડ્યુટીમાં અચાનક કાપથી ફ્યુઅલ ડીલર્સને લાખ્ખોનું નુકસાન

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે શનિવારે પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઇઝ ડ્યુટીમાં ક્રમશઃ પ્રતિ લિટર રૂ. આઠ અને રૂ. છનો ઘટાડો કર્યો હતો. સરકારે કરેલા અચાનક ભાવઘટાડાથી ફ્યુઅલ રિટેલર્સને નોંધપાત્ર નુકસાન વેઠવું પડ્યું છે. અડધો ડઝનથી વધુ ડીલર્સે કહ્યું હતું કે સરકારે શનિવારે સાંજે એક્સાઇઝ ડ્યુટીમાં કરેલા ભાવઘટાડાથી અમારે ભારે નુકસાન ભોગવવું પડ્યું છે અને તેઓ હાલ નુકસાન કરીને ફ્યુઅલનું વેચાણ કરી રહ્યા છે.

મેં 50,000 લિટર ફ્યુઅલ કેન્દ્ર અને રાજ્ય સરકારના ટેક્સ ચૂકવીને શનિવારે ખરીદ્યું હતું, એમ એક મુંબઈ સ્થિત ફ્યુઅલ રિટેલરે નામ ના આપવાની શરતે કહ્યું હતું. હવે મને રૂ. 3,60,000નું નુકસાન થયું છે. આવું જ દિવાળી વખતે થયું હતું, ત્યારે સરકારે અચાનક એક્સાઇઝમાં ઘટાડો કર્યો હતો, એમ તેણે કહ્યું હતું. અન્ય એક ડીલરે કહ્યું હતું કે દિવાળી વખતે સરકારે કરેલા ભાવઘટાડાથી મને રૂ. 10 લાખનું નુકસાન થયું હતું. સરકાર ફ્યુઅલની કિંમતો ધીમે-ધીમે વધારે છે, એ જ રીતે તબક્કાવાર ઘટાડતી કેમ નથી?  એવો સવાલ તેણે પૂછ્યો હતો.

ખાનગી ફ્યુઅલ ડીલર્સ જેવા કે રિલાયન્સ ઇન્ડ.- BP PLc અને નાયરા એજન્સીએ પણ કહ્યું હતું કે આ વખતે સ્ટોક ઓછો હતો, એટલે દિવાળીની તુલનાએ નુકસાન ઓછું ભોગવવું પડ્યું છે, પણ રાજ્ય સરકારની ઓઇલ માર્કેટિંગ કંપનીઓના ડીલર્સે આ વખતે રૂ. 10 લાખ કરતાં વધુ નુકસાન વેઠવું પડ્યું છે.