નવી દિલ્હીઃ કોરોના મહામારીએ દેશને જકડીને રાખ્યો છે. આખો દેશ આ મહામારીને મ્હાત આપવામાં લાગ્યો છે. આ બધા વચ્ચે આ બિમારીના તમામ પાસાં વિશે અભ્યાસ કરતા આઈઆઈટીના વૈજ્ઞાનિકો સતત નવા ઉપકરણ અને વસ્તુઓ બનાવવામાં વ્યસ્ત છે જેથી કોરોનાને હરાવી શકાય. કોરોનાની સારવાર દરમિયાન ડોક્ટરો તથા અન્ય હેલ્થ પ્રોફેશનલ્સને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. સ્વાસ્થ્ય કર્મચારીઓ જ કોરોનાથી સંક્રમિત થયાના સમાચારો પણ સામે આવી રહ્યા છે. આને જોતા આઈઆઈટીના વૈજ્ઞાનિકો અને દયાનંદ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ, લુધિયાણાા ડોક્ટરોએ મળીને એવો આવિષ્કાર કર્યો છે કે જે સ્વાસ્થ્ય કર્મચારીઓ અને ડોક્ટરોને સુરક્ષા કવચ પ્રદાન કરશે કે જેથી કોરોનાના ઈન્ફેક્શનથી તેમનો બચાવ થઈ શકે.
આઈઆઈટી, રોપડના પ્રોફેસર આશીષ સાહનીએ જણાવ્યું કે, આ મહામારી દરમિયાન રોગીની દેખરેખ કરનારા હેલ્થકેર પ્રોફેશનલ્સ પણ જોખમમાં હોય છે. જો કે, તેઓ બધી રીતે પોતાનો બચાવ કરતા રહે છે પરંતુ કેટલીક વાર રોગીના એકદમ નજીકના સંપર્કમાં આવવાથી, ખાંસવા કે છીંકવા દરમિયાન ઈન્ફેક્શનની શક્યતા વધી જાય છે. આને ધ્યાનમાં રાખતા અમે ‘કન્ટેનમેન્ટ બોક્સ’નું નિર્માણ કર્યું છે.
‘કન્ટેનમેન્ટ બોક્સ’ને રોગીના મોઢા પર રાખવાનું હોય છે. રોગીને સુવડાવીને વેન્ટિલેટરનો પાઈપ મોઢામાં નાંખવા દરમિયાન અને ઓપરેશન દરમિયાન આ બોક્સને મોઢામાં રાખી શકાય છે. દયાનંદ મsડિકલ કોલેજના ડો. વિવેક ગુપ્તાએ જણાવ્યું કે, આદર્શ રીતે આ પ્રકારના રોગીઓને નેગેટિવ પ્રેશર રુમમાં રાખવાના હોય છે પરંતુ રોગીઓની સંખ્યા જે રીતે વધી રહી છે, ત્યારે આ શક્ય હોતું નથી. તમામ આઈસોલેશન રુમ અને આઈસીયૂને નેગેટિવ પ્રેશરવાળા સપ્લાય રુમમાં ફેરવવા તે આર્થિક દ્રષ્ટિએ બહુ મોંઘું કામ છે.