દિલ્હીમાં થિયેટર અને શાળાઓ 31 માર્ચ સુધી બંધ

નવી દિલ્હીઃ દિલ્હી સરકારે કોરોના વાયરસને મહામારી જાહેર કરી દીધી છે. સાથે જ દિલ્હીનાં તમામ સિનેમાઘરોને 31 માર્ચ સુધી બંધ કરવાનો આદેશ આપ્યો છે. દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે કોરાના વાયરસનાં સંકટને જોતા દિલ્હીનાં સિનેમાઘરોને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ ઉપરાંત જે સ્કૂલો અને કૉલેજોની પરીક્ષા પૂર્ણ થઈ ચૂકી છે તેને પણ 31 માર્ચ સુધી બંધ કરવામાં આવશે.

ભારતમાં કોરોના વાયરસનાં સતત કેસ વધી રહ્યા છે જેના કારણે દિલ્હી સરકારે આ પગલું ઉઠાવ્યું છે. અત્યાર સુધી દેશમાં કોરોના વાયરસનાં 73 કેસ સામે આવી ચૂક્યા છે. ગુરૂવારનાં ઉત્તર પ્રદેશ, લદ્દાખ, મહારાષ્ટ્રથી કેટલાક નવા કેસ સામે આવી રહ્યા છે.

દિલ્હી સરકારનાં આ નિર્ણયથી ફિલ્મો પર પણ ઘણી અસર પડશે. 13 માર્ચનાં ઇરફાન ખાનની ફિલ્મ ‘અંગ્રેજી મીડિયમ’ રીલીઝ થવાની છે. 20 માર્ચનાં ‘સંદીપ અને પિંકી ફરાર’ રીલીઝ થવાની છે અને 24 માર્ચનાં અક્ષય કુમારની ફિલ્મ ‘સૂર્યવંશી’ રીલીઝ થવાની છે, પરંતુ દિલ્હીમાં સિનેમાઘરો બંધ થવાથી ફિલ્મોની કમાણી અને દર્શકોનાં મનોરંજન પર ઘણી જ અસર પડશે.

ઉલ્લેખનીય છે કે હોલીવુડ એક્ટર ટોમ હેંક્સ અને રીટા વિલસનનાં કોરાના વાયરસ કેસ પોઝિટિવ આવ્યા છે. ટોમ હેંક્સે ટ્વીટ કરીને આની જાણકારી આપી હતી. ત્યારબાદ આખા વિશ્વનાં સિનેમા પર આનો પ્રભાવ જોવા મળી રહ્યો છે. બોલીવુડનાં પણ અનેક સ્ટાર્સે પોતાના વિદેશ પ્રવાસ રદ્દ કર્યા છે. વિદેશ પ્રવાસ રદ્દ કરનારા કલાકારોમાં દીપિકા પાદુકોણનું નામ પણ સામેલ છે.