વડાપ્રધાન મોદીએ કહ્યુંઃ અમારા કોઈ મંત્રી વિદેશ નહી જાય

નવી દિલ્હીઃ વિશ્વ બાદ ભારતમાં પણ કોરોના વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. દેશમાં અત્યાર સુધી 73 કેસ સામે આવી ચુક્યા છે. કેરલ કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત રાજ્ય છે. કેન્દ્ર સરકાર પણ કોરોનાને ધ્યાનમાં રાખીને અનેક પગલાં ભર્યા છે. વિદેશથી આવતા તમામ લોકોનું એરપોર્ટ પર સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે. તો ભારત સરકારે ગઈકાલે વિદેશથી આવતા લોકોના વિઝા 15 એપ્રિલ સુધી રદ્દ કરવાનો પણ નિર્ણય લીધો હતો. હવે પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે, કોરોના વાયરસથી ડરવાની જરૂર નથી. તેમણે કહ્યું કે, અમારા મંત્રીઓ પણ વિદેશ પ્રવાસ કરશે નહીં. તમે પણ જરૂર ન હોય તો વિદેશ પ્રવાસ કરવાનું ટાળજો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, કોરોના વાયરસને લઈને સરકાર સંપૂર્ણ રીતે સતર્ક છે. તમામ સુરક્ષા નક્કી કરવા માટે સાવધાનીના ભાગ રૂપે ઘણા પગલાં ભરવામાં આવ્યા છે. કોરોના વાયરસને ધ્યાનમાં રાખીને વિઝા રદ્દ કરવામાં આવ્યા છે. પીએમ મોદીએ કહ્યું કે, કોરોના વાયરસને લઈને ગભરાશો નહીં, પરંતુ સાવચેતી જરૂર રાખો. આગામી દિવસોમાં કેન્દ્ર સરકારના કોઈપણ મંત્રી વિદેશ યાત્રાએ જઈ રહ્યાં નથી. હું મારા દેશવાસીઓને વિનંતી કરીશ કે જો જરૂરી ન હોય તો વિદેશ યાત્રા ન કરો. પીએમ મોદીએ કહ્યું કે, આપણે સભાઓમાં જતાં બચવું જોઈએ. આ રીતે આપણે કોરોનાને ફેલાતો રોકી શકીએ છીએ.

ભારતમાં કોરોના વાયરસના મામલાની સંખ્યા વધીને 73 પર પહોંચી ગઈ છે. ગુરૂવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય પ્રધાન ડો. હર્ષવર્ધને લોકસભામાં આ વિશે જાણકારી આપી હતી. કેન્દ્ર સરકાર સતત દરેક રાજ્ય સરકારના સંપર્કમાં છે અને દરરોજ વિસ્તૃત રિપોર્ટની આપ-લે કરી રહી છે. આ સિવાય ભારત સરકાર તરફથી વિદેશમાં ભારતીયોને લાવવાની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે.

ડો. હર્ષવર્ધને કહ્યું કે, સરકાર તરફથી 30-40 હજાર લોકો પર નજર રાખવામાં આવી રહી છે. કેરલમાં જ્યારે શરૂઆતી ત્રણ કેસ આવ્યા, ત્યારથી અમે રાજ્ય સરકારના સંપર્કમાં છીએ. દરેક રાજ્ય સાંજે સંપૂર્ણ જાણકારી કેન્દ્ર સાથે શેર કરે છે.

લોકસભામાં મંત્રીએ જાણકારી આપી કે અમે વિદેશથી આવેલા લોકો પર નજર રાખી રહ્યાં છીએ. સ્ક્રીનિંકમાં કોઈ પ્રકારની મુશ્કેલી નથી. 17 જાન્યુઆરીથી દિલ્હી-મુંબઈ-બેંગલુરૂ-કોચી- જેવા એરપોર્ટ પર સ્ક્રીનિંગ શરૂ થયું હતું, પરંતુ હવે 30 એરપોર્ટ પર તપાસ થઈ રહી છે.