મધ્યપ્રદેશઃ ભાજપની ફ્લોર ટેસ્ટની માંગ

નવી દિલ્હીઃ મધ્ય પ્રદેશમાં કોંગ્રેસના 22 વિધાનસભ્યોએ રાજીનામું આપ્યા પછી ભાજપ 16મી માર્ચે વિધાનસભામાં કમલનાથ સરકારનો ફ્લોર ટેસ્ટ કરાવવાની માગ કરી રહી છે, એમ ભાજપના એક વરિષ્ઠ નેતાએ કહ્યું હતું. બીજી બાજુ  વિધાનસભાના સ્પીકર એન. પી. પ્રજાપતિએ કોંગ્રેસના 22 ધારાસભ્યોને નોટિસ ફટકારી છે, જેમાં શુક્રવાર સુધી તેમની સમક્ષ હાજર થવાનું ફરમાન કર્યું છે અને તેમને સ્પષ્ટતા કરવા પણ કહ્યું છે કે તેમણે આ રાજીનામું સ્વૈચ્છિક રીતે આપ્યું છે કે પછી કોઈના દબાણ હેઠળ આપ્યું છે.

15 મહિના જૂની કમલનાથ સરકારના 22 કોંગ્રેસી MLAsએ રાજીનામાં આપતાં સરકાર હવે લઘુમતીમાં આવી ગઈ છે. જેથી અમે ગવર્નર અને વિધાનસભાના સ્પીકરને 16મી માર્ચે રાજ્યના બજેટ સેશન શરૂ થાય ત્યારે ફ્લોર ટેસ્ટ કરવા વિનંતી કરવાના છીએ.

જયોતિરાદિત્ય ભાજપમાં જોડાવાથી પક્ષને લાભઃ અમિત શાહ

ભાજપમાં જોડાવાના એક દિવસ પછી મધ્ય પ્રદેશના નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ ગૃહપ્રધાન અમિત શાહને મળ્યા હતા. ગૃહપ્રધાને કહ્યું હતું કે જ્યોતિરાદિત્ય સિંધિયા ભાજપમાં જોડાતાં ભાજપને લાભ થશે.  તેમણે ટ્વીટ કરીને કહ્યું કે તેમને પાર્ટીમાં સામેલ કરવાથી સિંધિયાની જનતાની સેવા કરવાના ભાજપના સંકલ્પને વધુ મજબૂત બનાવશે. સિંધિયા ગુરુવારે સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહને પણ અલગથી મળ્યા હતા.

ભોપાલમાં ભાજપના કાર્યકર્તાઓ દ્વારા ભવ્ય સ્વાગત

જ્યોતિરાદિત્ય સિંધિયા ભોપાલમાં પહોંચ્યા બાદ ભાજપના કાર્યકર્તાઓ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

સિંધિયા આરએસએસ સાથે ગયા : રાહુલ ગાંધી

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે મિડિયા સાથે વાત કરતાં કહ્યું હતું કે આ એક વિચારધારાની લડત છે, એક તરફ કોંગ્રેસ અને બીજી બાજુ ભાજપ-આરએસએસની વિચારધારા છે. હું જ્યોતિરાદિત્ય સિંધિયાની વિચારધારા જાણું છું, તે મારી સાથે ક કોલેજમાં હતા. હું તેમની સારી રીતે ઓળખું છું. તેઓ તેમના રાજકીય ભવિષ્ય વિશે ચિંતિત થયા છે અને  તેમણે તેમના ભવિષ્ય માટે તેમની વિચારધારા છોડી દીધી અને આરએસએસ સાથે જવાનું પસંદ કર્યું છે. તેમણે કહ્યું હતું કે સિંધિયાને ભાજપમાં માન-સન્માન નહીં મળે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]