કોંગ્રેસ અધીર રંજન ચૌધરીને મામલે ‘સુપ્રીમ’નાં દ્વાર ખટખટાવશે

નવી દિલ્હીઃ લોકસભામાં કોંગ્રેસ નેતા સંસદમાં અધીર રંજન ચૌધરીના સસ્પેશન મામલે વિપક્ષ આક્રમક છે. તેમના સસ્પેશનનો મુદ્દો રાજ્યસભામાં પણ ઊઠ્યો હતો. રાજ્યસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસાધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે ‘નીરવ મોદી’નું નામ લેવા પર અમારા સાથી નેતાને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. ખડગેએ કહ્યું હતું કે જરા અમથી વાતમાં સસ્પેન્ડ કોણ કરે છે? કોંગ્રેસના સાંસદ મનીષ તિવારીએ સુપ્રીમ કોર્ટ જવાના સંકેત આપ્યા છે.

કોંગ્રેસાધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે સંસદમાં દલીલબાજી દરમ્યાન કોઈ સભ્ય અસંસદીય શબ્દોનો ઉપયોગ કરે છે, તો તેમને ત્યાં જ અટકાવવા જોઈએ. તેમના શબ્દો પર વાંધો ઉઠાવવો જોઈએ, પરંતુ તમે લોકસભામાં અમારા નેતાને સસ્પેન્ડ કરી દીધા છે.

બીજી બાજુ, INDIAના સાંસદોએ લોકસભાની કાર્યવાહીનો બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો છે. ત્યાર બાદ સંસદની કાર્યવાહીને અનિશ્ચિતકાર  માટે સ્થગિત કરવામાં આવી છે. ત્યાર બાદ વિપક્ષી સાંસદો સંસદના પ્રાંગણમાં માર્ચ કાઢી હતી. આ પ્રદર્શનમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી સહિત વિપક્ષના સાંસદ સામેલ થયા હતા.

બીજી બાજુ, રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડેએ આપના સાંસદ રાઘવ ચઢ્ઢાને પણ સસ્પેન્ડ કરી દીધા છે અને સાંસદ સંજય સિંહનું સસ્પેન્શન પણ વધારી દીધું છે. અધીર રંજન ચૌધરી સહિત ત્રણ સાંસદો વિશેષાધિકાર સમિતિના રિપોર્ટ આવવા સુધી સસ્પેન્ડ રહેશે. આ સાથે રાજ્યસભામાં એ સાંસદોને વિદાય આપવામાં આવી હતી, જેમનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે.