કંપનીએ જ ભૂતપૂર્વ CFO, પત્ની સામે કર્યો છેતરપિંડીનો કેસ

મુંબઈઃ અહીંના દાદર ઉપનગરમાં પોલીસે એક દંપતી સામે છેતરપિંડીનો કેસ કર્યો છે. આ બંને જણ સર્વાઈવલ ટેક્નોલોજી લિમિટેડ કંપનીમાં કામ કરતા હતા. દિનેશ ભાલોટિયા નામનો પતિ આ કંપનીમાં ચીફ ફાઈનાન્સિયલ ઓફિસર (સીએફઓ) તરીકે કામ કરતો હતો અને તેણે એની પત્ની સબિતાને પણ કંપનીમાં નોકરીએ રાખી હતી, પરંતુ પત્ની એક દિવસ માટે પણ કામ કરવા આવી નહોતી.

કંપનીના એચ.આર. વિભાગના વડા જોન પરમાર તથા સ્ટાફ દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધવામાં છે. એણે આરોપ મૂક્યો છે કે દિનેશ ભાલોટિયા કંપનીમાં સીએફઓ પદે હતા અને એમણે એમની પત્ની સબિતાને એક ટેક્સ એક્ઝિક્યૂટિવ તરીકે અપોઈન્ટ કરી હતી. સબિતા 2021ની 1 ફેબ્રુઆરીએ કંપનીમાં જોડાઈ હતી અને આ વર્ષના જુલાઈ સુધીમાં કર્મચારી તરીકે રૂ. 46 લાખનો પગાર લીધો હતો, પરંતુ એ ક્યારેય ઓફિસે આવી નહોતી. ફરિયાદમાં એમ પણ જણાવવામાં આવ્યું હતું કે ભાલોટિયા સ્ટાફમાં દરેક જણ સાથે ઉદ્ધતાઈથી વાત કરતા હતા. ત્યારબાદ એમને ચેતવણી પણ આપવામાં આવી હતી. તે છતાં એણે પોતાનું વર્તન સુધાર્યું નહોતું. એ પછી પરમારે ભાલોટિયાના દસ્તાવેજો ચેક કર્યા હતા અને ત્યારે એમને જાણવા મળ્યું હતું કે એમણે દસ્તાવેજોમાં આપેલા નામોમાં ફરક હતો. ભાલોટિયાનો માસિક પગાર રૂ. ચાર લાખ હતો અને સબિતાનો પગાર રૂ. 1.69 લાખ હતો. પગારની તે રકમ ઉપર દંપતીએ ટીડીએસ પણ ભર્યો નહોતો. ભાલોટિયાએ કંપનીને એમ જણાવ્યું હતું કે એણે ટેક્સ ચૂકવી દીધો છે, પરંતુ એ જૂઠ્ઠું બોલ્યા હતા. આખરે એમને કંપનીમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા. ભાલોટિયાની પત્નીને આટલા વખતમાં પગાર તરીકે રૂ. 46 લાખ ચૂકવવામાં આવ્યા હતા. કંપનીને જ્યારે આની જાણ થઈ કે તરત જ એણે પોલીસમાં ફરિયાદ નોંધાવી. પોલીસે ભાલોટિયા દંપતી સામે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે.