લખનઉઃ કોંગ્રેસનાં મહામંત્રી પ્રિયંકા ગાંધીએ આજે અહીં કોંગ્રેસ કાર્યાલયમાં આયોજિત પત્રકાર પરિષદમાં જાહેરાત કરી હતી કે એમની પાર્ટી આપેલા વચન મુજબ, ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની આગામી ચૂંટણીમાં 40 ટકા ટિકિટ મહિલા ઉમેદવારોને આપશે. કોંગ્રેસ પાર્ટીએ ઉત્તર પ્રદેશની ચૂંટણી માટે નારો પસંદ કર્યો છેઃ ‘લડકી હૂં, લડ સકતી હૂં.’ પ્રિયંકા ગાંધીએ કહ્યું કે રાજ્યની ચૂંટણીમાં મહિલાઓને મોટા પાયે સહભાગી કરાવવાનો અમારો નિર્ણય મહિલાઓનું સશક્તિકરણ કરવા માટે જ લેવાયો છે અને આની પાછળ છૂપું રહસ્ય જેવું કંઈ નથી. અમે આ નિર્ણય એવી દરેક મહિલા માટે લીધો છે જેઓ ઉત્તર પ્રદેશને પ્રગતિના પંથે લઈ જવા ઈચ્છે છે, જેઓ ન્યાય ઈચ્છે છે, એકતા ઈચ્છે છે. અમારો આ નિર્ણય ઉન્નાવની એ દીકરી માટે છે જેને ક્રૂર લોકોએ જીવતી સળગાવીને મારી નાખી હતી. દેશમાં વૈમનસ્યના રાજકારણનો મહિલાઓ જ અંત લાવી શકે છે. પ્રિયંકા ગાંધીએ ઉત્તર પ્રદેશની મહિલાઓને રાજકારણમાં આવવાની અપીલ કરી હતી. એમણે કહ્યું કે, હું મહિલાઓનાં દુઃખ, દર્દ, સંઘર્ષને સમજી શકું છું. હવે ઉત્તર પ્રદેશની મહિલાઓ ડરશે નહીં, પણ હિંમતથી બોલશે ‘લડકી હૂં, લડ સકતી હૂં.’
ઉત્તર પ્રદેશમાં નવી વિધાનસભાની ચૂંટણી 2022ના ફેબ્રુઆરી-માર્ચમાં યોજવાનું નિર્ધારિત છે. વિધાનસભા 403 બેઠકોની છે. વર્તમાન વિધાનસભાની મુદત 14 મે, 2022ના રોજ સમાપ્ત થશે. એ પહેલાં નવી ચૂંટણી યોજવી જરૂરી છે. કોંગ્રેસ પાર્ટી 40 ટકા એટલે 160 સીટ પર મહિલાઓને ચૂંટણી ટિકિટ આપશે. ઉત્તર પ્રદેશમાં હાલ ભારતીય જનતા પાર્ટીનું રાજ છે. આગામી ચૂંટણીમાં ભાજપ, સમાજવાદી પાર્ટી, બહુજન સમાજ પાર્ટીના ઉમેદવારોનો સામનો કરવાનો કોંગ્રેસ સામે મોટો પડકાર છે.