કોંગ્રેસે શેર કર્યો અમિત શાહનો ફેક વિડિયો

નવી દિલ્હીઃ દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે માહિતી આપી હતી કે એણે ગૃહપ્રધાન અમિત શાહના એક છેડછાડ કરવામાં આવેલા વિડિયોને શેર કરવા માટે જવાબદાર વ્યક્તિઓની વિરુદ્ધ કેસ નોંધ્યો છે. વાસ્તવમાં એક ફેક વિડિયો અમિત શાહનો વાઇરલ થયો હતો, જેમાં તેઓ અનામતને ખતમ કરવાની વાત કરતા નજરે ચઢી રહ્યા છે. આ વિડિયો તેલંગાણા કોંગ્રેસે પણ શેર કર્યો છે. ભાજપ અને ગૃ મંત્રાલય- બંને એ વિડિયોને ફેક ગણાવ્યો હતો. બંનેની ફરિયાદને આધારે હવે દિલ્હી પોલીસે આ મામલે FIR નોંઘી છે.

FIR સોશિયલ મિડિયા પ્લેટફોર્મ X અને ફેસબુકના કેટલાક હેન્ડલની વિરુદ્ધ કરવામાં આવી છે, જેમણે શાહના નિવેદનોને એડિટ કરીને ખોટા દાવા કર્યો હતો કે ગૃહ મંત્રીએ દેશમાં અનામત ખતમ કરવાનું સૂચન કર્યું હતું. BJP IT સેલના પ્રમુખ અમિત માલવીયે ફરિયાદમાં કહ્યું હતું કે તેલંગાણા કોંગ્રેસ વિંગ અમિત શાહનો એક એડિટેડ વિડિયો વાઇરલ કરી કરી હતી, જે સંપૂર્ણપણે નકલી છે અને એનાથી મોટા પાયે હિંસા થવાની આશંકા છે.

અમિત માલવિયાએ પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે ગૃહમંત્રી અમિત શાહે એસસી/એસટી અને ઓબીસીનો હિસ્સો ઘટાડવા અંગે કંઈ કહ્યું નથી. કોંગ્રેસના ઘણા પ્રવક્તાઓ દ્વારા આવા નકલી વિડિયો પોસ્ટ કરવામાં આવ્યા છે. તેમણે કાયદાકીય કાર્યવાહી માટે તૈયાર રહેવું જોઈએ.

સ્પેશિયલ બ્રાન્ચનાં સૂત્રોએ જણાવ્યું હતું કે કેસ નોંધાયા બાદ દેશભરમાં ધરપકડ થવાની શક્યતા છે. ભારતીય સાયબર ક્રાઈમ કોઓર્ડિનેશન સેન્ટરના અધિકારી સિંકુ શરણ સિંહે ફરિયાદમાં કહ્યું છે કે સોશિયલ મીડિયા પર કેટલાક નકલી વિડિયો ફેલાવવામાં આવી રહ્યા છે અને આ વિડિયોથી શાંતિ અને કાયદો અને વ્યવસ્થાને અસર થવાની આશંકા છે. જ્યારે દિલ્હી પોલીસે વિડિયોની તપાસ કરી તો જાણવા મળ્યું હતું કે આ વિડિયો ફેસબુક, X સહિત ઘણા સોશિયલ પ્લેટફોર્મ પર છે.