હમ નિભાએંગે: ગરીબોને “ન્યાય” પછી હવે કોંગ્રેસનું ખેડુતો માટે અલગ બજેટનું વચન

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2019 માટે કોંગ્રેસ પાર્ટીએ આજે પોતાનો મેનિફેસ્ટો જાહેર કરી દીધો છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ઘોષણાપત્ર જાહેર કરતા જાહેરાત કરી કે આ ચૂંટણીનો મુદ્દો માત્ર ખેડુતોની સમસ્યા, રોજગાર, અને ગરીબી છે અને કોંગ્રેસ પાર્ટી આ જ મુદ્દાઓ પર ચૂંટણી લડશે. કોંગ્રેસે પોતાના મેનિફેસ્ટોની ટેગ લાઈન “હમ નિભાએંગે” આપવામાં આવી છે.

પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે અમારા મેનિફેસ્ટોમાં મુખ્ય વાતો પંજા પર છે જે અમારી પાર્ટીનો લોગો પણ છે. આમાં સૌથી મહત્વની ન્યાય યોજના છે જે અંતર્ગત દેશની 20 ટકા ગરીબ જનતાને વાર્ષિક 72 હજાર રુપિયાની આર્થિક મદદ કરવામાં આવશે.

રાહુલ ગાંધીએ કહ્યું કે પાંચ વર્ષમાં સીધી રીતે એક વ્યક્તિને 3 લાખ 60 હજાર રુપિયાની મદદ આપવામાં આવશે. આના માટે રાહુલ ગાંધીએ “ગરીબી પર વાર, 72 હજાર” નો નારો પણ આપ્યો છે.

દેશમાં યુવા રોજગારીનો પ્રશ્ન છે ત્યારે 22 લાખ નોકરીએ 2020 સુધીમાં કોંગ્રેસ ભરી દેશે. ત્રણ વર્ષ માટે હિન્દુસ્તાનના યુવાઓએ કોઈ પણ બિઝનેસ કરવા માટે કોઈ પણ મંજૂરીની જરૂર પડશે નહીં. 10 લાખ લોકોને ગ્રામ પંચાયતોમાં રોજગારી આપવાનું વચન અપાયું છે. મનરેગામાં કામ કરવા માટેના દિવસોને 100થી વધારીને 150 કરવાની જાહેરાત કરી છે.

ખેડુતો માટે જાહેરાત કરતા કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું કે, ખેડુતો માટે અમે અલગ બજેટ લાવીશું. જેવી રીતે રેલવે માટે અલગ બજેટ હોય છે, તેવી રીતે ખેડુતો માટે પણ અલગ બજેટ હશે, જેથી તેમને ખ્યાલ આવે કે તેમના માટે કેટલો ખર્ચ થઈ રહ્યો છે.

રાહુલ ગાંધીએ પોતાના ચૂંટણી ઢંઢેરામાં જાહેરાત કરી કે અમે બજેટનો 6 ટકાથી વધારે ભાગ શિક્ષણ પર ખર્ચ કરીશું. આયુષ્માન યોજનાની ટીકા કરતા રાહુલે કહ્યું કે અમે પ્રાઈવેટ ઈન્શ્યોરન્સ પર ભરોસો નથી કરતા, ગરીબ વ્યક્તિને પણ હાઈ ક્વાલિટી હોસ્પિટલમાં સારવાર મળવી જોઈએ.

રાહુલ ગાંધીએ કહ્યું કે બીજેપીની સરકારે દેશને તોડવાનું કામ કર્યું છે, જમ્મૂ કાશ્મિરમાં આતંકવાદની ઘટનાઓ વધી રહી છે. દેશની રાષ્ટ્રીય સુરક્ષા અને આંતરિક સુરક્ષા પર કોંગ્રેસનું પૂર્ણ ફોકસ હશે.

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે આપણે દરરોજ વડાપ્રધાનના તમામ જુઠ્ઠાણાને સાંભળીએ છીએ. આથી અમારું કહેવું છે કે અમે અમારા વચનને નિભાવીશું. રાહુલ ગાંધીએ કહ્યું કે આ મેનિફિસ્ટોને એક વર્ષની તનતોડ મહેનતથી લોકોના મંતવ્ય લઇને તૈયાર કર્યું છે. રાહુલ ગાંધીએ કહ્યું કે શિક્ષણના ક્ષેત્રમાં અમે નિર્ણય લીધો છે કે જીડીપીના 6 ટકા દેશની શિક્ષણ વ્યવસ્થા પર ખર્ચ કરશે.

કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું કે, યુનિવર્સિટી, કોલેજ, આઇઆઇટી, અને આઇઆઇએમને બધા માટે ઉપલબ્ધતા બનાવા માંગીએ છીએ. હેલ્થકેરમાં અમારું જોર પ્રાઇવેટ હેલ્થ ઇન્શયોરન્સ પર હશે નહીં. તેની જગ્યાએ સરકારી હોસ્પિટલોને મજબૂત કરવાનું કામ કરીશું. ગરીબમાં ગરીબ વ્યક્તિને સૌથી શ્રેષ્ઠ સ્વાસ્થ્ય સુવિધા મળે તેની પણ વ્યવસ્થા કોંગ્રેસની સરકાર આવવા પર કરાશે. અમારું ફોકસ હશે કે ગરીબથી ગરીબ વ્યક્તિને હાઇ ક્વોલિટી સુવિધા આપી શકાય. કોંગ્રેસ પાર્ટી દેશને જોડવાનું કામ કરશે. નેશનલ અને ઇન્ટરનલ પૉલિસી પર અમારું સૌથી વધુ જોર રહેશે. દેશમાં મુખ્ય મુદ્દો રોજગારનો છે.

પૂર્વ પીએમ મનમોહન સિંહે કહ્યું કે કોંગ્રેસ પાર્ટીના આ મેનિફિસ્ટોની ચર્ચા દેશભરમાં થશે. ગરીબોના કલ્યાણને તેમાં જગ્યા આપી દીધી છે. આ અગળ વધનાર ઘોષણાપત્ર છે. જેમાં ગરીબો, વિદ્યાર્થીઓ, ખેડૂતો અને લઘુમતી સહિતના સમાજના વર્ગોના કલ્યાણનું ધ્યાન રાખ્યું છે. આપણે લોકોને બતાવા જઇ રહ્યા છીએ કે છેલ્લાં પાંચ વર્ષના ભાજપ રાજમાં કેવી રીતે ખેડૂતો અને ગરીબોના હિતોની અનદેખી થઇ છે અને આપણે કેવી રીતે દેશને આગળ લઇ જવાના છીએ.

કોંગ્રેસના પ્રવક્તા મનિષ દોષીએ chitralekha.com સાથે વાત કરતા આ મામલે પ્રતિક્રિયા આપી કે, 121 થી વધુ જગ્યાએ લોકોને સીધા સાંભળીને ખેડુતો, માછીમારો, યુવાનો, મહિલાઓ સહિત દેશમાં 121થી વધુ જગ્યાએ સંવાદ કરીને આ મેનિફેસ્ટો તૈયાર કરવામાં આવ્યો છે. અમારા કેન્દ્ર બિંદુમાં ખેડુતોને ન્યાય, દેશમાં યુવાનોને રોજગારી, શિક્ષણ માટે બજેટના 6 ટકા ખર્ચ કરવાની બાંહેધરી આપી છે. તો આ સીવાય ઈન્ટર્નલ સિક્યુરીટી, એક્સટર્નલ સિક્યુરીટી, વિદેશ નીતિ, વગેરે વાતોનો અમે સમાવેશ કર્યો છે. કોંગ્રેસ પક્ષ દેશના ગરીબી રેખા હેઠળ જીવતા લોકોને ગરીબીમાંથી બહાર લાવવા એક ઐતિહાસિક નિર્ણય કરવા જઈ રહી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]