કોંગ્રેસ નેતાએ ભાંગરો વાટ્યોઃ ‘રાષ્ટ્રપત્ની’વાળી ટિપ્પણી પર હંગામો

નવી દિલ્હીઃ કોંગ્રેસના નેતા અધિર રંજન ચૌધરીએ ભાંગરો વાટ્યો છે. તેમણે રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુને ‘રાષ્ટ્રપત્ની’ કહીને સંબોધિત કરેલા નિવેદન પર ભારે વિવાદ ઊભો થયો છે. જેથી ભાજપે કોંગ્રેસ પર તીખો હુમલો કર્યો છે. રાજ્યસભામાં નાણાપ્રધાન નિર્મલા સીતારામને અધીર રંજનના નિવેદનને લિંગભેદી અને મહિલાવિરોધી જણાવ્યું છે. BJP સાંસદોએ સંસદમાં પ્રદર્શન કર્યું હતું અને સોનિયા ગાંઘી, કોંગ્રેસથી માફી માગવા સૂત્રોચ્ચાર કર્યા હતા. આ પ્રદર્શનમાં નાણાપ્રધાન પણ સામેલ રહ્યાં હતાં. આ હંગામાની વચ્ચે કોંગ્રેસાધ્યક્ષ સોનિયા ગાંધીએ કેન્દ્રીય પ્રધાન સ્મ-તિ ઇરાનીની પાસે જઈને વાત કરી હતી.

કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઇરાનીએ કોંગ્રેસ પર દ્રોપદી મુર્મુનું અપમાન કરવાનો આરોપ લગાડતાં લોકસભામાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ એ વાતનો સ્વીકાર નથી કરી શકતી કે એક આદિવાસી મહિલા દેશના સર્વોચ્ચ બંધારણીય પદ પર બેઠાં છે. દેશ-દુનિયા જાણે છે કે કોંગ્રેસ મહિલા, આદિવાસી અને ગરીબવિરોધી છે. અધીર રંજને તેમની ટિપ્પણી બદલ કોંગ્રેસે માફી માગવી જોઈએ, એમ તેમણે કહ્યું હતું. આ સંબોધન એ સર્વોચ્ચ બંધારણીય પદની ગરિમાની વિરુદ્ધ છે. કોંગ્રેસના પુરુષ નેતાએ આ ઘૃણિત કાર્ય કર્યું છે.

એક તરફ ભાજપ સતત કોંગ્રેસ પાસે માફી માગવાની વાત કરી રહ્યો છે, જ્યારે આ વધતા વિવાદ વચ્ચે કોંગ્રેસનાં વચગાળાનાં અધ્યક્ષા સોનિયા ગાંધીએ અધીર રંજનનો બચાવ કર્યો હતો. અધીર રંજનના માફી માગવાના સવાલ પર તેમણે કહ્યું હતું કે તેઓ પહેલેથી માફી માગી ચૂક્યા છે. તેમણે પાર્ટીના વરિષ્ઠ નેતાઓની તત્કાળ બેઠક બોલાવી હતી, જેમાં મલ્લિકાર્જુન ખડગે અને અધિર રંજન ચૌધરીને પણ બોલાવવામાં આવ્યા હતા.

ભાજપ દ્વારા થઈ રહેલા હુમલા પર અધિર રંજને સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે સત્તાધારી પક્ષ રાઇનો પહાડ બનાવી રહ્યો છે. મારાથી એક વાર વાત નીકળી ગઈ હતી અને ભૂલ થઈ ગઈ હતી. એના માટે મને ફાંસીએ લટકાવવો હોય તો લટકાવી દો. તેમણે કહ્યું હતું કે અચાનક શબ્દ મોઢામાંથી નીકળી ગયો હતો. તેમનો કોઈ ખરાબ ઇરાદો નહોતો.મેં પહેલાં ‘રાષ્ટ્રપતિ’ કહ્યું અને પછી ‘રાષ્ટ્રપત્ની’ શબ્દ નીકળી ગયો હતો. એ શબ્દ મારાથી ભૂલથી નીકળી ગયો હતો.

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]