કોંગ્રેસે ચાર રાજ્યોમાં 43 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી

નવી દિલ્હીઃ ચૂંટણી પંચ ક્યારેય પણ લોકસભા ચૂંટણીની તારીખો જાહેર કરે એવી શક્યતા છે. તેની સાથે જ રાજકીય પાર્ટીઓએ લોકસભા ચૂંટણીને લઈને પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા કેસી વેણુગોપાલ લોકસભા ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. આ લિસ્ટમાં કોંગ્રેસે લોકસભા ચૂંટણી માટે 43 સીટોના ઉમેદવારોનાં નામ જાહેર કર્યા છે. આ અગાઉ કોંગ્રેસે પોતાની પ્રથમ યાદીમાં 39 ઉમેદવારોનાં નામ જાહેર કર્યાં હતાં.

મધ્ય પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન કમલનાથના પુત્ર નકુલનાથને છીંદવાડાથી ટિકિટ આપવામાં આવી છે. રાજસ્થાનના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી અશોક ગહેલોતના પુત્ર વૈભવ ગહેલોત ઝાલૌરથી ચૂંટણી લડશે. કોંગ્રેસની આ યાદીમાં આસામના ઉમેદવારોનાં નામ જાહેર કરવામાં આવ્યાં છે. ગૌરવ ગોગોઇ આસામના જોરહાટથી ઉમેદવાર હશે. ચુરુથી રાહુલ કસ્વાને ટિકિટ આપવામાં આવી છે.

કોંગ્રેસ મહાસચિવ કેસી વેણુગોપાલે કહ્યું હતું કે અમે લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારોની પહેલી સૂચી આ પહેલાં જાહેર કરી હતી અને ગઈ કાલની CECની બેઠકમાં આસામ, મધ્ય પ્રદેશ, રાજસ્થાનથી આશરે 43 નામોની યાદીને મંજૂરી આપવામાં આવી છે.

ગુજરાતમાં ઘણા ઉમેદવારોના નામ જાહેર કરવામા આવ્યા છે. બનાસકાંઠા બેઠક પરથી ગેનીબહેન ઠાકોરને ટિકિટ આપવામાં આવી છે. પોરબંદરથી લલિત વસોયાને ટિકિટ આપવામાં આવી છે. વલસાડથી અનંત પટેલને ઉમેદવાર બનાવાયા છે.