રેલ દુર્ઘટના મુદ્દે CM મમતા બેનરજીએ કેન્દ્ર પર નિશાન સાધ્યું

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન અને ભૂતપૂર્વ રેલવેપ્રધાન મમતા બેનરજી શનિવારે ઓડિશાના બાલાસોર ટ્રેન દુર્ઘટનાના સ્થળે પહોંચ્યાં હતાં. તેમણે આ દુર્ઘટનાને સદીની સૌથી મોટી રેલ દુર્ઘટના ગણાવી હતી. રેલવેપ્રધાન અશ્વિની વૈષ્ણવ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓની હાજરીમાં તેમણે મિડિયા સાથે વાતચીત કરી હતી. એ દરમ્યાન રાજકારણ પણ જોવા મળ્યું હતું અને બે વાર એવું થયું હતું કે રેલવેપ્રધાને તેમને ટોક્યા પણ હતા. મમતા બેનરજીએ એક પછી એક આરોપ લગાવ્યા હતા.

તેમણે કહ્યું હતું કે રેલવેમાં તાલમેલનો અભાવ છે. એ સાથે તેમણે 500થી વધુ રેલવે યાત્રીઓના માર્યા જવાની આશંકા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે તેઓ જરૂર પડ્યે રેલવેને સલાહ પણ આપી શકે છે. તેમણે કહ્યું હતું કે રેલવેનું બજેટ ઘટાડવામાં આવ્યું છે. રેલવેની એક સિસ્ટમ છે અને આ ઘટનામાં માર્યા ગયેલા લોકોને રૂ. 10 કે 15 લાખ મળે છે. તેમણે કહ્યું હતું કે હજી પણ ત્રણ ડબ્બા ક્લિયર નથી થયા. તેમણે કેન્દ્ર પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું હતું કે આ ટ્રેનોમાં એન્ટિ-કોલેજન ડિવાઇસ નહોતું. જો એ હોત તો દુર્ઘટના ના થાત.

અમારા રાજ્યના લોકોનાં આ દુર્ઘટનામાં મોત થયાં છે, તેમના પરિવારજનોને અમે રૂ. પાંચ-પાંચ લાખ આપીશું. આ ઉપરાંત ગંભીર રીતે ઘાયલ લોકોને રૂ. એક-એક લાખ આપવાની જાહેરાત કરી હતી અને મામૂલી ઇજા થઈ હોય તેમને રૂ. 50,000 આપવાની ઘોષણા કરી હતી. તેમણે કહ્યું હતું કે અમારા રાજ્યના વધુ લોકો માર્યા ગયા છે. અમે આજે 70 એમ્બ્યુલન્સ મોકલી છે. ગઈ કાલે 40 મોકલી હતી. અમે બંગાળથી 40 ડોક્ટર્સ પણ મોકલ્યા છે અને બે બસ પણ મોકલી છે.